ઘટના@વડોદરા: દિવાળીએ જ બે સમુદાયો વચ્ચે જુથ અથડામણ, જાણો શું છે સમગ્ર મામલો ?

અટલ સમાચાર, ડેસ્ક
વડોદરાના પાણીગેટ વિસ્તારમાં દિવાળીના દિવસે કેટલાક સમુદાયો દ્વારા શાંતિ ડહોળવાવામાં આવી છે. શહેરના પાણીગેટ વિસ્તારમાં દિવાળીના દિવસે જ બે સમુદાયના લોકો સામસામે આવી ગયા હતા. જ્યાર બાદ પથ્થરમારા સાથે આગચંપી અને તોડફોડ પણ કરવામાં આવી. બંને સમુદાયના લોકોએ નજીવા વિવાદને લઇ વાહનોને આગચંપી કરી ટોળાએ દુકાનોમાં તોડફોડ કરી હતી. આ સાથે પોલીસ પર પણ તેઓએ પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા. જોકે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. જ્યાર બાદ સમગ્ર વિસ્તારમાં પોલીસે સઘન પેટ્રોલિંગ સાથે કોમ્બિંગ હાથ ધર્યું છે.

પથ્થરમારો એટલી હદ સુધી થયો હતો કે, આખાય રસ્તા પર ચારે બાજુ પથ્થર જ પડેલા દેખાતા હતા. જોકે આ ઘટનાની જાણ થતા જ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલ સમગ્ર પરિસ્થિતિ કાબુમાં છે. આ પથ્થરમારો શા કારણે થયો એ અંગે હાલ પોલીસ CCTV ફુટેજ તપાસી રહ્યાં છે. જે પ્રત્યક્ષદર્શી છે એની પાસેથી પોલીસ માહિતી લઈ રહી છે. આગળના દિવસોમાં સખતમાં સખત કામગીરી કરવામાં આવશે. શું આ ઘટના દરમ્યાન સ્ટ્રીટ લાઈટ બંધ કરીને પથ્થરમારો કરાયો કે કેમ એ અંગે પણ તપાસ હાલ શરૂ છે. જે ઘરમાંથી પેટ્રોલબોંબ ફેંકાયો એ ઘરમાંથી પણ તપાસ કરવામાં આવી રહી છે. એ ઘરમાંથી પણ એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.