બ્રેકિંગ@બનાસકાંઠા: ઉમેદવારોની જાહેરાત પહેલાં ડીસા-રાધનપુરમાં બે નામોને લઈ ગેનીબેનનો સૌથી મોટો દાવો

 
Geniben Thakor

અટલ સમાચાર, ડેસ્ક 

ગુજરાતમાં ગમે ત્યારે વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ શકે છે. ત્યારે રાજ્યમાં હજુ સુધી માત્ર AAPએ જ પોતાના ઉમેદવારોની 6 યાદી જાહેર કરી છે. જ્યારે ભાજપ અને કોંગ્રેસે હજુ સુધી ઉમેદવારોની યાદી જાહેર નથી કરી. એ પહેલાં કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કોંગ્રેસની 2 ટિકિટ ફાઈનલ થઇ ગયાનો ચોંકાવનારો દાવો કર્યો છે. ગેનીબેન ઠાકોરે ચૂંટણીલક્ષી નિવેદન આપતા જણાવ્યું કે, 'આ વર્ષે રાધનપુરથી રઘુભાઈ દેસાઈ ચૂંટણી લડશે જ્યારે ડીસામાંથી ગોવાભાઈ દેસાઈ ચૂંટણી લડશે.'

Savitaben-Radhanpur
જાહેરાત

બનાસકાંઠાના ભાભરના વજાપુર ગામે યોજાયેલા એક કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોરે આ પ્રકારનું નિવેદન આપ્યું હતું. જેનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. તેઓએ નિવેદન આપતા જણાવ્યું કે, 'હું ક્યારેય કોઇને કહેવા માટે નથી આવી. પણ છતાંય જે સમાજના આગેવાનો અને રબારી સમાજ માટે કોઇ આગેવાનો આવે તો એમને કહેજો કે આ ગોવાભાઇ ધારાસભ્ય કોંગ્રેસમાંથી ચૂંટણી લડે છે અને તો બાજુમાં રઘુભાઇ પણ કોંગ્રેસમાંથી લડે છે. અને ત્રીજા કોઇ રબારીને અહીંથી ભાજપ કે કોંગ્રેસ ટિકિટ આપતું હોય તો ત્રીજા માટે અમે બધા જ અઢારે આલમ રબારીઓ માટે તૈયાર છીએ. ઠાકરશીભાઇને લડવું હોય તો મારે અત્યારે અહીં માતાજીના મંદિરમાં જ કહી દેવું છે.'

સૂત્રોએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા હજુ એકપણ ઉમેદવારનું નામ જાહેર કરાયું ન હોવા છતાં ગેનીબેન ઠાકોરે ઉમેદવારના નામો અંગે સંકેત આપ્યા છે. મહત્વનું છે કે, કોંગ્રેસના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા અંતિમ તબક્કાએ છે. 25મીએ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર અને નેતા વિપક્ષ સુખરામ રાઠવા દિલ્હી જશે. 25મી ઓક્ટોબરે બંને નેતાઓ તેમજ પ્રભારી રઘુ શર્મા દિલ્હી પહોંચશે. તેઓ ઉમેદવાર પસંદગી માટેની સ્ક્રિનિંગ કમિટી અને CEC બેઠકમાં ભાગ લેશે. દિલ્હી ખાતેની મુલાકાતમાં રાહુલ ગાંઘી અને પ્રિયંકા ગાંઘીના ગુજરાત પ્રવાસની તારીખો પણ નક્કી થશે. કારણ કે કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રામાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનું જોડાવાનું આયોજન છે. એટલે કે નવા વર્ષની શરૂઆતમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવાનું આયોજન છે.