ઘટના@રાજકોટઃ પત્ની અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પતિએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી
suside

અટલ સમાચાર, ડેસ્ક


સામાન્ય રીતે આપણે ત્યાં પતિ તેમજ સાસરિયાઓના ત્રાસથી પત્ની આપઘાત કરી લેતી હોય પ્રકારના બનાવો બનતા હોવાનું સામે આવે છે. પરંતુ રાજકોટ શહેરમાં ઉલટી ગંગા સમાન કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરમાં પત્ની તેમજ સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પતિએ ગળાફાંસો (Suicide) ખાઈ જિંદગી ટૂંકાવી હોવાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે સ્થાનિક પોલીસ દ્વારા મૃતકની પત્ની, સાળા તેમજ સસરા અને સાસુ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  આ મામલે ફરિયાદ નોંધાતાની સાથે જ કુવાડવા પોલીસે તમામ લોકોને શોધખોળ શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.  


પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના કુવાડવા રોડ પર આવેલા રંગીલા સોસાયટીમાં કિશન દીપકભાઈ સોલંકી નામના યુવાને ઘરે ગળાફાંસો ખાઇ લીધાનો બનાવ સામે આવ્યો હતો. સમગ્ર મામલાની જાણ પરિવારને થતાં પરિવારે બેભાન હાલતમાં કિશન સોલંકી નીચે ઉતારી 108 ઈમરજન્સી સેવાને જાણ કરી હતી.તાત્કાલિક અસરથી 108ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ઘટનાસ્થળ પર પહોંચેલી 108ની ટીમે કિશનને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર મામલાની જાણ પોલીસને થતાં કુવાડવા પોલીસનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારબાદ જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક કિશન ડ્રાઇવિંગ કરી પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હોવાનું સામે આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી કિશનને તેની પત્ની સાળો તેમજ સાસુ-સસરા સહિતના લોકો યેનકેન પ્રકારે હેરાન પરેશાન કરતા હોવાનું જાણવા મળ્યું છે. તેમજ છૂટાછેડા અપાવવા માટે પણ રૂપિયાની માગણી કરતા હોવાનું જાણવા મળ્યું છે.