ગેરરીતિ@ગોધરા: મનરેગાનો હિસાબ કિતાબ જોતાં 17 ક્વેરી શોધી, એકાઉન્ટ જનરલની ટીમની તપાસથી ફફડાટ

 
Godhara

અટલ સમાચાર ડોટ કોમ, ગાંધીનગર

ગોધરામાં મનરેગા હેઠળના કામોનું ઓડીટ કરવા એકાઉન્ટ જનરલની ટીમે કેટલાક દિવસોથી ધામા નાંખ્યા છે. જેમાં ગોધરા તાલુકામાં મનરેગા યોજનાના પાછલાં વર્ષોના વિવિધ કામોનો હિસાબ કિતાબ ચકાસતા ચોંકાવનારી વિગતો મળી છે. અનેક ક્વેરી શોધી કાઢવામાં આવતાં મનરેગા કર્મચારી આલમમાં સચોટ ખુલાસો કેમ કરવો તે મુદ્દે દોડધામ મચી ગઇ છે. એકમાત્ર ગોધરામાં સરેરાશ 17 ક્વેરી શોધી લેવામાં આવી હોવાનું સામે કરવા આવતાં હડકંપ મચી ગયો છે.

Manrega

પંચમહાલ જિલ્લામાં મનરેગા યોજનાના કામોની પારદર્શક મુદ્દે કેટલાક વર્ષોથી બૂમરાણ છે. સુયોજિત અને સંગઠિત રીતે કેટલાક તાલુકાઓમાં રીતસર કૌભાંડ આચરવા જાણે ગોઠવણ થયેલી હોવાની પણ બૂમરાણ રહી છે. આવી સ્થિતિમાં ગત દિવસોએ એકાઉન્ટ જનરલની ટીમે મનરેગાનો હિસાબ ચકાસવા ધામા નાંખ્યાં હોઈ ભ્રષ્ટાચાર વિરોધી લોકોમાં ઉત્સાહ જાગ્યો છે. ગોધરા, શહેરા, મોરવા હડફ અને ઘોઘંબા તાલુકામાં મનરેગાનો હિસાબ જોતાં ગંભીર ક્વેરી મળી શકે તેવી શક્યતા પણ જોવાઇ રહી છે. આ દરમ્યાન એકાઉન્ટ જનરલની ટીમ શરૂઆતમાં ગોધરા અને શહેરા તાલુકામાં ચોપડા તપાસી રહી છે. જેમાં યાદી મુજબનાં ગામોમાં મનરેગા યોજના હેઠળ મળેલી ગ્રાન્ટ અને તેની સામે જોગવાઇ મુજબની ખરીદી-રોજગારી બાબતે પારદર્શકતા જોવામાં આવી છે. ઝીણવટભરી તપાસ કરતાં એકાઉન્ટ જનરલની ટીમે ગોધરા તાલુકામાં સરેરાશ 17 જેટલી ક્વેરી શોધી કાઢી હોવાનું સામે આવ્યું છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, એજીની ટીમે કાઢેલી આ 17 ક્વેરી કેટલી ગંભીર અને ચોંકાવનારી છે તે આગામી દિવસોમાં સામે આવી શકે છે. આ 17 ક્વેરી મુદ્દે ગોધરા તાલુકા મનરેગા ટીમને સચોટ ખુલાસો કરવો પડશે. જો આ ખુલાસો યોગ્ય અને માન્ય રહે તો બરાબર પરંતુ જો ખુલાસો ના થઈ શકે અથવા જો ખુલાસો માન્ય ના રહે તો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર બાંહેધરી યોજના કમ કાયદા મામલે કૌભાંડનો ઘટસ્ફોટ થઇ શકે છે.