
અટલ સમાચાર, ડેસ્ક
52 શક્તિપીઠમાંથી એક પાવાગઢ મહાકાળી માતાજીનાં દર્શન માટે રોજ હજારો શ્રદ્ધાળુઓ આવે છે. માતાજીના ભક્તો માટે એક સારા સમાચાર છે. પાવાગઢ ડુંગર પર એક લિફ્ટનું નિર્માણ થઈ રહ્યું છે, જે તમને 40 સેકન્ડમાં માતાજીના દ્વાર પર પહોંચાડશે. સરકારે પર્વત ખોદીને લિફ્ટ બનાવવાનું આયોજન કર્યું છે. મહાકાળી મંદિર ગબ્બરને અડીને આવેલા પર્વતને ખોદીને 210 ફૂટ ઊંચી, એટલે કે 3 માળ સુધી જઈ શકે એવી લિફ્ટ બનાવવાના આયોજનને આરંભી દેવાયું છે.
પાવાગઢમાં ગબ્બર ડુંગર પર કપરા ચઢાણને લીધે અનેક ભક્તોને માતાજીનાં દર્શનમાં મુશ્કેલી આવતી હતી. એને કારણે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજ્ય સરકારની મંજૂરી બાદ એક લિફ્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગબ્બરની બાજુના ડુંગરને ખોદીને એક લિફ્ટ બનાવવામાં આવશે. પર્વતની અંદર ખોદકામ કરવા માટેની ટેન્ડરિંગ પ્રક્રિયા સોંપવા માટેની સત્તાવાર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. લિફ્ટ બનવાને કારણે માત્ર 40 સેકન્ડમાં જ માતાના મંદિર સુધી પહોંચી શકાશે. એક લિફ્ટમાં મહત્તમ 12 વ્યક્તિ સમાઈ શકે એ પ્રકારની લિફ્ટ મૂકવામાં આવશે.
પાવાગઢ મંદિરના વિકાસ બાબતે રાજ્ય સરકારના યાત્રાધામ અને પ્રવાસન કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે ચૈત્રી નવરાત્રિમાં હું પાવાગઢ મંદિર દર્શન કરવા ગયો હતો. ત્યારે ઘણી ભીડ હતી અને દિવસે ને દિવસે શ્રદ્ધાળુઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા 130 કરોડથી વધુના ખર્ચે મંદિરનો વ્યાપ વધારવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ અત્યારે જે મંદિર છે એનો વ્યાપ વધારાશે તેમજ સમગ્ર કાયાપલટ કરીને મંદિરને એક નવો જ નજારો આપવામાં આવશે. આમ, ભારતના વિખ્યાત પાવાગઢ મંદિરનો વિકાસ થવાથી ના માત્ર ગુજરાત, પરંતુ વિશ્વ ફલક પરથી મળતા પ્રતિસાદમાં વધારો થશે, એવો આશાવાદ યાત્રાધામ વિભાગ સેવી રહ્યું છે.
અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો
વર્ષે 2017થી પાવાગઢ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં ફેઝ-1ની અંદર વાઇડનિંગ ઓફ પાથ-વે, ટોઇલેટ બ્લોક, પોલીસ બૂથ, વોટર હટ, સીટિંગ પેવેલિયન વગેરે કામ કરવામાં આવ્યાં. વાઇડનિંગ ઓફ પાથ-વેની કુલ લંબાઈ 3.01 કિમી કરવામાં આવી છે, જેમાં કુલ 2374 પગથિયાંનું નિર્માણ કરવામાં આવ્યું. ફેઝ-2માં મંદિર પરિસરની અંદરના વિસ્તૃતીકરણની કામગીરી કરવામાં આવી, જેમાં હયાત મંદિર પરિસર 545 ચોમીનું છે, જેને વિસ્તૃતીકરણ બાદ ત્રણ વિભાગમાં વહેંચવામાં આવ્યું છે.
યાત્રાધામ વિભાગ દ્વારા બનાવાઈ રહેલી આ લિફ્ટ જરૂરિયાતમંદ લોકો, જેવાં કે મહિલા, બાળકો, વૃદ્ધો ઉપયોગ કરી શકે એ માટેની પ્રાથમિક વિચારણા છે. આ લિફ્ટનો ઉપયોગ કરવાનો ચાર્જ પણ લઘુતમ અથવા તો નજીવો રાખવામાં આવે એવી વિચારણા હાલ ચાલી રહી છે. ત્યારે મંદિર સાથે સંકળાયેલા તથા ધાર્મિક આગેવાનો નિ:શુલ્ક લિફ્ટનો ઉપયોગ કરી શકાય એવી રજૂઆત સરકારને કરી રહ્યા છે.
હેલિપેડ અને વોક વેની સુવિધા પણ ઊભી કરાશે: કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી
આ અંગે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં માર્ગ મકાન અને યાત્રાધામ વિભાગના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે પાવાગઢ મહાકાળી મંદિરની સમગ્ર કાયાપલટ કરી નવો નજારો તૈયાર કરવામાં આવશે. ડુંગરની ઉપર જ મંદિરનો વ્યાપ વધારવામાં આવશે, સાથે જ જ્યાં મંદિર છે એની બાજુમાં 210 ફૂટનો ડુંગર છે. એ ડુંગરને કાપીને તેમજ એમાં ખોદકામ કરીને લિફ્ટ બનાવવાનું આયોજન છે. લિફટમાંથી શ્રદ્ધાળુઓ સીધા જ મંદિરે પહોંચે એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. હાલ પાવાગઢ મંદિર ખાતે 350 પગથિયાં સુધી જ રોપ વે કાર્યરત છે ત્યારે ફેઝ-૩નું કાર્ય કરીને મંદિર સુધી રોપ વેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મંદિરની આજુબાજુમાં આવેલા અન્ય બે ડુંગર પર હેલિપેડની સુવિધા, વોક વેની સુવિધા પણ કરવામાં આવશે.
હાલ પાવાગઢ ખાતે માંચીથી પ્રથમ 350 પગથિયાં સુધી રોપ વે સુવિધા ઉપલબ્ધ છે, જેને કારણે યાત્રિકો માત્ર 7.5 મિનિટમાં જ 350 પગથિયાં સુધીનું અંતર કાપીને દૂધિયા તળાવ સુધી પહોંચે છે. ત્યાર બાદ યાત્રિકોને મંદિર સુધી પહોંચવામાં બીજા 350 પગથિયાં ચડીને જવું પડતું હતું, પણ પાવાગઢ ડેવલપમેન્ટ ફેઝ-3ની શરૂઆત કરી દેવામાં આવી છે, જેને કારણે બાકીનાં 350 પગથિયાં પણ રોપવે દ્વારા જ કાપી શકાય એવી સુધિવા ઉપલબ્ધ થશે. હાલ આ માટે મટીરિયલ રોપવે શરૂ કરીને પ્રાથમિક કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ નીચેથી ઉપર સુધી કુલ 700 પગથિયાંનું અંતર માત્ર 15 મિનિટમાં કાપી શકાશે. આમ, માત્ર માંચીથી 15 મિનિટમાં જ યાત્રિકોને મંદિર પરિસર સુધી પહોંચી શકાય એ પ્રકારનું આયોજન યાત્રાધામ વિકાસ બોર્ડ કરી રહ્યું છે.