ખુશખબરઃ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે સાારા સમાચાર, રમત ગમતના બજેટમાં વધારો કરાયો
University,

અટલ સમાચાર, ડેસ્ક


સંલગ્ન કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમચાર છે. યુનિવર્સિટી દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને રમત ગમત કૌશલ્ય ખિલવવા માટે અને યોગ્ય દિશામાં લઈ જવા માટે વધુ સુવિધા મળશે. આ માટે યુનિવર્સિટી દ્વારા આ માટે બજેટમાં વધુ ફાળવણી કરવામાં આવી છે. જેને લઈ વિદ્યાર્થીઓ હવે રમત ગમત તાલીમ વધુ સુવિધાઓ સાથે મેળવી શકશે, ઉપરાંત આ દરમિયાન ખેલાડીઓને કોઈ ઈજાઓ થાય તો તે માટેની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે. સાથે જ ખેલાડીઓના દૈનિક ભથ્થાઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે. બોર્ડ ઓફ સ્પોર્ટ્સ કમિટીની બેઠક મળતા જેમાં બજેટ અંગે ચર્ચા કરીને તેને વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

કોલેજમાં અભ્યાસ દરમિયાન ખેલાડીઓને અભ્યાસ સાથે રમત અંગેની જરુરી તાલીમ મળે એ આવશ્યક છે. આ તાલીમને વઘુ આધુનિક બનાવવા પર યુનિવર્સિટી દ્વારા ભાર મુકવામાં આવ્યો છે. બુધવારે યુનિવર્સિટીની સ્પોર્ટ સમિતિના સભ્યોની કુલપતિ જેજે વોરાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં રમત ગમત અંગેના બજેટને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આ માટે વર્તમાન સ્થિતી અને ભાવી યોજનાઓ સહિતના પાસાઓને ધ્યાનમાં રાખીને ચર્ચાને અંતે રમત ગમત બજેટમાં વધારો કરવાનો ઐતિહાસિક નિર્ણય સમિતિએ જાહેર કર્યો હતો. જે યુનિવર્સિટીની ચાર દાયકાનુ સૌથી મોટુ બજેટ જાહેર કરવામાં આવ્યુ છે. જેના થી રમત ગમતમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓમાં ખુશી વ્યાપી છે.
 
નવા બજેટ મુજબ રુપિયા 2.76 કરોડનુ બજેટ સ્પોર્ટ્સ સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવ્યુ છે. જે અગાઉ 1.25 કરોડ રુપિયા જેટલુ હતુ. જે બજેટ રજૂ કરવા સાથે ખેલાડીઓના દૈનિક ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. ખેલાડીઓને વિશેષ એવોર્ડ આપવા માટે 5 લાખ રુપિયા ફાળવવામાં આવ્યા છે. રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓના આયોજન માટે એક કરોડ દશ લાખ રુપિયાની જોગવાઈ રાખવામાં આવી છે. આ ઉપરાંત આંતર કોલેજ ટૂર્નામેન્ટમાં ખેલાડીઓને ઈજા પહોંચવાના સમયે તબીબી સારવાર માટે 5 લાખ રુપિયાની વિશેષ જોગવાઈ રાખવામાં આવી છે. તેમજ વિમા સુરક્ષા માટે પણ 5 લાખ રુપિયા ફાળવણી કરવામાં આવી છે.

આમ અભ્યાસ સાથે વિદ્યાર્થીઓને કોલેજ સંલગ્ન રમત ગમત સુવિધાઓમાં વધારો થશે. યુનિવર્સિટીના સ્પોર્ટ સંકુલમાં પણ 20 લાખના ખર્ચે નવા સાધનો ખરીદવામાં આવશે તેમ જ રમત ગમતના લગતા બાંધકામ અને મરામત પાછળ પણ 29 લાખ રુપિયાનો ખર્ચ કરવામાં આવશે. આમ બમણાંથી પણ વધારે બજેટથી હવે ખેલાડીઓને તૈયાર કરવામાં મદદ મળી રહેશે.