ગંભીર@પાટણ: શું નવી મોડસ ઓપરેન્ડી શરૂ થઈ છે, રેતી ચોરો પકડાય પરંતુ માપણીમાં છે બચાવની બારી ?

Patan

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

પાટણ જિલ્લામાં અવારનવાર માટી, રેતી સહિતના અનઅધિકૃત ખનન ઝડપાઇ રહ્યું છે. આ રેઇડ કરતાં પાટણ ખાણખનીજના કે પછી મામલતદાર, પ્રાન્ત અધિકારીની કામગીરી ખૂબ આવકાર્ય છે. પરંતુ શું આટલી કામગીરી બરાબર છે ? રેઇડથી સરકારનું હિત ઈચ્છુક રાજી થઈ જાય પરંતુ પાછળથી કંઈ શક્યતા ઉભી થાય છે ? આ સવાલ પાછળ મથામણ કરતાં ચોંકાવનારી સંભાવનાઓ જોવા મળતાં રેઇડથી દેખાતી પારદર્શકતા અધૂરી હોવાનું સામે આવ્યું છે. હકીકતમાં રેઇડ કર્યા પછી રેતી ચોરી સ્થળે નિષ્પક્ષ અને કડક માપણી કરવાની હોય છે. વાહનો જપ્તી બાદ રેતી ચોરને વાહન છોડાવવાનો દંડ કંઈ ખાસ નથી આવતો હકીકતનો દંડ તો માપણી બાદ સામે આવે છે. જાણીએ સ્પેશિયલ રિપોર્ટ અહીં.......

ગત દિવસે મોડી સાંજે પાટણ જિલ્લાના હારીજ તાલુકાના ખાખલ નદી પટમાં ખાણખનીજની ટીમે રેતી ચોરી પકડી હતી. આ પહેલાં પણ અહિં રેતી ચોરી પકડાઇ હતી પરંતુ શું કારણ છે કે, રેતી ચોરીનો સિલસિલો બંધ થતો નથી? હકીકતમાં પાટણ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રની કચેરીના ભાવિનભાઇ સહિતની ટીમે ખાખલ વિસ્તારમાં રેઇડ કરી ત્યારે થોડાં ઘણાં વાહનો જપ્ત કરી રેતી ચોરીની નોંધ કરી હતી. આ પછી સ્વાભાવિક છે કે, રેતી ચોરી સંબંધિત ઈસમ વાહનો છોડાવવા સામાન્ય દંડ ભરી દે છે. તો શું વાહનો પકડો અને છોડાવો આ ઘટનાક્રમમાં રેતી ચોરી યથાવત રહે તેવો કાયદો જોગવાઈ ના હોય ને ? ના એવું નથી, રેતી ચોરીના વાહનો જપ્ત કર્યા પછી એકદમ કડક અને પારદર્શક રેતી ચોરીના સ્થળે કેટલું ગેરકાયદેસર ખનન થયું તેની માપણી કરવાની હોય છે. આ માપણી પણ બે ચાર ખાંડા પૂરતી નહિ પરંતુ આસપાસમાં જ્યાં પણ અન અધિકૃત ખનન દેખાય કે અગાઉ તે માપણીમાં નથી આવ્યું તે તમામની ગણતરી કરવાની હોય છે. હવે બચાવની શું સંભાવના ઉભી કરે કે કરાવે તે સમજીએ.

Patan

સૂત્રોએ જણાવ્યું હતું કે, ખાખલ નદી પટમાં રેતી ચોરો એકાદ બે દિવસથી તો ગેરકાયદેસર ખનન કરતાં નહિ હોય ને, અનેક દિવસો સુધી રોજેરોજ અનેક ડમ્પરો મારફતે રેતી ઉઠાવી ગયા હશે ને... હવે જો આ તમામ અન અધિકૃત ખનનની તટસ્થ રીતે તપાસ અને માપણી થાય તો રેતી ચોરને અધધધધ... મસમોટો અને ભવિષ્યમાં ક્યારેય રેતી ચોરી ના કરે તેટલો દંડ આવી શકે છે. આ સાથે રેતી ચોરી બદલ સરકારની તિજોરીને પણ મોટી વસૂલાત મળી શકે છે. તો હવે સવાલ થાય છે કે, ખાખલ નદી પટમાં જીતુ કે પછી તેના પિતાના ગેરકાયદેસર ખનન મામલે કેટલી માપણી કરી અને કેટલો દંડ કાઢવામાં આવ્યો ? આ બાબતે વારંવાર ખાણખનીજના ભાવિનભાઇનો સંપર્ક કર્યો પરંતુ કોઈ જ જવાબ મળતો નથી. આ બાબતે કલેક્ટર પણ અંગત રસ લઈ જુએ તો *પારદર્શકતા* ની માપણી થાય તેમ છે.