ખળભળાટ@મહીસાગર: દારૂનો ગ્લાસ પકડી બોલ્યા, હું એવો અધિકારી છું કે, પીધેલામાં બોલું એવું કાલે પણ બોલું, દારૂબંધીની ઐશીતૈશી

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
મહીસાગર જિલ્લામાં કર્મચારીઓ શિયાળાની ઠંડી ઉડાડવા શંકાસ્પદ ડ્રીંક્સના રવાડે ચડ્યા હોવાના વિડિયો સામે આવ્યા હતા. આ શંકાસ્પદ પીણું દારૂ હોવાની પ્રબળ આશંકા વચ્ચે વધુ એક સ્પષ્ટ દેખાય, સમજાય અને દાવા સાથે કહી શકાય તેવો વિડીયો આવતાં ચકચાર મચી ગઇ છે. ટેકાના ભાવ ડાંગરની ખરીદી દરમ્યાન રાત્રે અનેક કર્મચારીઓ કંઈક પીતા હતા તો ધોળાં દિવસે મામલતદાર કચેરીના ધાબે કર્મચારી બિન્દાસ દારૂ પીતા હોવાનો વિડિયો આવ્યો છે. હજુ એક વિડીયોમાં દારૂની તપાસ માંડ શરૂ થઈ તો બીજી દારૂ પીતો જ વિડિયો આવી જતાં સમગ્ર મહીસાગર જિલ્લાભરમાં પીનારાઓ ઉઘાડા પડી ગયા છે.
સરકારના માણસો હોઇ સરકારની ઈમેજ પારદર્શક કરવા અને કાયદાનું પાલન કરવા મહીસાગર પોલીસે તાત્કાલિક અસરથી તપાસ વધુ તેજ કરી દીધી છે. બંને વિડીયો કયા સમયના છે, કોના છે, શું પીવે છે આ તમામ મુદ્દે તપાસ કરવા સંબંધિત પોલીસ સ્ટેશન કામે લાગ્યું છે. આવો જાણીએ આ પીનારાઓની દારૂબંધીના લીરા ઉડાવતી ઘટના...
મહીસાગર જિલ્લાના લુણાવાડા પંથકમાંથી ટેકાના ભાવ ડાંગરની સરકારી ખરીદી પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમ્યાન ગત દિવસે લુણાવાડા કોલેજ ગ્રાઉન્ડમાં ટેકાના ભાવે ડાંગર ખરીદી કરતા કર્મચારીઓનો શંકાસ્પદ ડ્રીંક્સની મહેફિલ માણતો વીડિયો વાયરલ થયો હતો. આ ડ્રીંક્સ દારૂ જ હોવાની બૂમરાણ વચ્ચે વિડીયો વોટ્સએપમાં ધૂમ મચાવતો રહ્યો હતો. આ વિડીયોમાં પીનારાઓ ખરેખર દારૂ ઢીંચી રહ્યા છે ? તેની તપાસનો ઓર્ડર છૂટ્યો ત્યાં વળી ચોખ્ખેચોખ્ખો દારૂ પીતો વિડીયો અને દારૂ પી રહ્યાનું સ્વિકારતો વિડિયો વાયરલ થતાં સરકારી આલમમાં ખળભળાટ મચી ગયો છે.
લુણાવાડા બાદ કડાણા તાલુકા મામલતદાર કચેરીના ધાબે નાયબ મામલતદારનો દારૂના ગ્લાસ સાથેનો વીડિયો વાયરલ થયો છે. નાયબ મામલતદાર (મતદાર યાદી) તરીકે ફરજ બજાવતાં રાકેશ પરમારનો દારૂ ભરેલા ગ્લાસનો વિડિયો સામે આવ્યો છે. વિડીયોમાં આ નાયબ મામલતદાર ખુદ કબૂલ કરીને કહે છે કે, હું એવો સાહેબ છું કે પીધેલો હોય ને જે બોલું તે જ આવતીકાલે પણ બોલીશ. નાયબ મામલતદાર પરમાર સરકાર અને પોલીસ તંત્રને પડકાર ફેંકતા હોય તેમ આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, વાયરલ થયેલા બંને વિડીયોમાં દેખાતાં મહીસાગર જિલ્લાનાં કર્મચારીઓ ગાંધીના ગુજરાતમાં સરેઆમ દારૂબંધી ઉપર મજાક ઉડાવતાં ગંભીર સવાલો ઉભા થયા છે. સમગ્ર રાજ્યમાં દારૂબંધી છે ત્યારે વાયરલ થયેલા બંને વિડીયોને આધારે મહીસાગર જિલ્લા પોલીસે ઘટના સંબંધિત પોલીસ સ્ટેશનને સુચના આપી તાત્કાલિક અસરથી તપાસ રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે.
હવે બંને વિડીયો જૂના છે કે હાલના જ, વ્યક્તિઓની ઓળખ, શંકાસ્પદ પીણું દારૂ છે કે શું ? આ તમામ મુદ્દે પોલીસે તપાસ કરી પારદર્શક રિપોર્ટ કરવો પડશે તો જ નાગરિકોમાં દારૂબંધીનો અમલ કડક હોવાની ખાત્રી જશે.