કાર્યવાહી@ગુજરાત: મોરબી પુલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે OREVA ગ્રુપના માલિકને નોટિસ ફટકારી

 
Morbi bridge

અટલ સમાચાર, ડેસ્ક

મોરબી ઝુલતા પુલની દુર્ઘટનાને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલને નોટિસ ફટકારી છે. જેમાં જયસુખ પટેલને આગામી મુદ્દતમાં કોર્ટમાં રજૂ થવાનો આદેશ આપવામાં આવ્યો છે. મહત્વનું છે કે, ઝુલતા પુલની ઘટનામાં જયસુખ પટેલ સામે તપાસ થઈ નથી. ઝુલતા પુલનું સંચાલન તેમની કંપનીના હસ્તક હતું.

મોરબીમાં 30 ઓક્ટોબર 2022ની મોડી સાંજે ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના સામે આવી હતી. આ દુર્ઘટનામાં 500થી વધુ લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા. મોરબીની દુર્ઘટનાને લઇને રાજ્ય આખું ધ્રુજી ઉઠ્યું હતું. જે દુર્ઘટનામાં 140થી વધુ લોકોના મોત થયા હતાં જે બાબતે સુપ્રીમ કોર્ટમાં પણ રિટ કરવામાં આવી હતી. 19મી સદીમાં બંધાયેલો આ પુલ સમારકામ માટે લાંબા સમય સુધી બંધ રહ્યા બાદ નવા વર્ષના દિવસે ફરીથી ખોલવામાં આવ્યો હતો. આ પુલ મોરબી નગરપાલિકાની માલિકીનો છે, જેણે થોડા મહિના પહેલા જાળવણી અને કામગીરી માટે ખાનગી ટ્રસ્ટ ઓરેવા સાથે કરાર કર્યો હતો.

મોરબી સ્થિત કંપની અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઈવેટ લિમિટેડને પણ બ્રિજની જાળવણી અને સંચાલન માટે 15 વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. છ મહિના સુધી સમારકામ માટે બંધ રાખ્યા બાદ, ગુજરાતી નવા વર્ષ નિમિત્તે બ્રિજ 26 ઓક્ટોબર 2022ના રોજ ફરીથી ખોલવામાં આવ્યો હતો. પ્રારંભિક અહેવાલો અનુસાર, સમારકામ પછી અને સ્થાનિક નાગરિક સત્તાવાળાઓ પાસેથી જરૂરી ફિટનેસ પ્રમાણપત્ર મેળવ્યા વિના પુલને નિર્ધારિત સમય પહેલા ફરીથી ખોલવામાં આવ્યો હતો. તેના પર 500થી વધુ લોકો હતા જ્યારે તેની ક્ષમતા માત્ર 125 લોકોની હતી. નગરપાલિકાના મુખ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, નવીનીકરણ માટે જવાબદાર ખાનગી પેઢીએ "અમને જાણ કર્યા વિના પુલને મુલાકાતીઓ માટે ખુલ્લો મૂકી દીધો હતો અને તેથી, અમે સલામતી ઓડિટ મેળવી શક્યા નથી.''

પુલ ફરીથી ખોલ્યાના ચાર દિવસ પછી સાંજે 6.40 વાગ્યે પુલ તૂટી પડ્યો હતો. જેમાં 500થી વધુ લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની પાંચ ટીમોએ બચાવ કામગીરી શરૂ કરી હતી. બાદમાં તેમની સાથે આર્મી, નેવી અને એરફોર્સ સ્ટાફ જોડાયો હતો. બચાવ કામગીરી માટે પોલીસ, સૈન્ય અને ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમો તૈનાત કરવામાં આવી હતી. ઓછામાં ઓછા 141 લોકોના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી હતી.

ગુજરાત સરકાર દ્વારા તપાસ કરવા અને કારણ નક્કી કરવા માટે પાંચ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી. આ ઘટના અંગે આઠ લોકોની તપાસ કરવામાં આવી છે. આ ઘટના સાથે જોડાયેલા નવ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં જેલ હવાલે રહેલા 8 આરોપીઓની જમીન અરજી કરી હતી. તેમાં કેસની ગંભીરતાને ધ્યાને લઇને મોરબી ડિસ્ટ્રીક્ટ કોર્ટે  આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી.

મોરબીની સ્થાનિક કોર્ટમાં રજૂ કરાયેલા FSL રિપોર્ટમાં મોટા ધડાકા થયા હતા. જેમાં ઝૂલતા પુલના કેબલ અને બોલ્ટ કટાઇ ગયેલા અને બોલ્ટ ઢીલા થઇ ગયા હોવાનું ઉપરાંત સિક્યુરિટી ગાર્ડને કોઇ ટ્રેનિંગ આપવમાં આવી ન હોવાનું તેમજ આ દુર્ઘટનાના દિવસે એટલે કે 30 ઓક્ટોબરે 3165 ટિકિટ આપી દેવામાં આવી હોવાના ખુલાસા થયા હતા. આ દરમિયાન કોર્ટ સમક્ષ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે બ્રિજનું સંચાલન કરતી ઓરેવા કંપનીએ રૂપિયાની લહાઈમાં દુર્ઘટનાના દિવસે આડેધડ 3165 ટિકિટો આપી દીધી હતી.