વલસાડઃ હત્યા કરવામાં ભૂલ પડી તો પૌત્રને મારવાને બદલે ભૂલથી દાદીની ઇસમે હત્યા કરી
valsad

અટલ સમાચાર, ડેસ્ક


 
વાપીના ભડકમોરા વિસ્તારમાં એક અઠવાડિયા અગાઉ એક શ્રમજીવી મહિલાની થયેલી કરપીણ હત્યાનો ભેદ આખરે વલસાડ જિલ્લા એલ.સી.બી  પોલીસને  ઉકેલવામાં સફળતા મળી છે. આ ગુનામાં હત્યાના આરોપીની શિવા પવારની પોલીસે ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે. જોકે, પોલીસના હાથે લાગેલા આરોપીની આગવી ઢબે આકરી પૂછપરછ કરતા આરોપીએ અગાઉ પણ નજીવી બાબતમાં બે લોકોની હત્યા કરી હોવાનો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે.હત્યાના એક કેસમાં આરોપી યરવડા જેલમાં સજા કાપી રહ્યો હતો. જોકે પેરોલ પર છૂટ્યા બાદ તે ફરાર હતો. બનાવની વિગત મુજબ વાપી સેલવાસ રોડ પર આવેલા હનુમાનજી મંદિરની બાજુમાં ઝૂંપડામાં સુંદર બાઈ સોલંકે નામની એક શ્રમજીવી મહિલા રહેતી હતી. આ મહિલાની એક અઠવાડિયા અગાઉ રાત્રિના સમયે કોઈ ઈસમે  માથામાં પથ્થરના ઘા મારી કરપીણ હત્યા કરી હતી. બનાવ બાદ આરોપી સુધી પહોંચવા તપાસ તેજ કરી હતી.

એ વખતે જ  મળેલી બાતમીના આધારે પોલીસે વાપી નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પરથી શિવા પવાર નામના એક વ્યક્તિની અટકાયત કરી તેની આગવી ઢબે પુછપરછ કરતાં અઠવાડિયા અગાઉ થયેલી વૃદ્ધધાની હત્યા તેણે  જ કરી હોવાનું બહાર આવ્યું હતું. આથી પોલીસે તેની ધરપકડ કરી આકરી પૂછપરછ કરતા આરોપીએ કબૂલ્યું હતું કે, થોડા દિવસ અગાઉ વૃદ્ધાના પૌત્ર સાથે નજીવી બાબતે બોલાચાલી થઈ હતી એ વખતે વૃદ્ધાના પૌત્રએ  આરોપીને ગાળો દીધી હતી.

અટલ સમાચારને દૈનિક તમારા  મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

આથી એ અદાવત રાખી બનાવના દિવસે આરોપી રાત્રિના સમયે વૃદ્ધાના ઘર નજીક ગયો હતો. જ્યાં ઝૂંપડાની બહાર ખાટલા પર  ચાદર ઓઢીને પૌત્ર  સૂતો હોવાનું માની તેને પૌત્રને મારવાના ઇરાદે  માથામાં પથ્થરના ઘા મારી અને ફરાર થઈ ગયો હતો. જોકે બીજા દિવસે તેને જાણ થઈ કે,  રાત્રે તેણે પથ્થરના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો તે વૃદ્ધાનો પૌત્ર નહિ પરંતુ 55  વર્ષીય વૃદ્ધા સુંદર બાઈ હોવાનું બહાર આવ્યું હતું.


આથી તે મુંબઇ તરફ ભાગવાની ફિરાકમાં હતો. એ પહેલા જ પોલીસે તેને દબોચી લીધો હતો. પોલિસને આગવી ઢબે પૂછપરછમાં આરોપીના ગુનાહિત ભૂતકાળ પણ બહાર આવ્યો હતો. આ અગાઉ પણ આરોપી શિવા પવાર ઉર્ફે પોપટ ઉર્ફે રાજુ ઉર્ફે મામાએ  નજીવી બાબતે બીલીમોરામાં છગનભાઈ પટેલ નામના એક વ્યક્તિની હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. સાથે જ પુનાના કોરેગાવમાં પણ તેની સાથે રહી અને ટ્રેનમાં પાન મસાલો વેચતા સોનું કુશવાહ નામના  શ્રમજીવી મિત્રની પણ નજીવી બાબતે હત્યા કરી હતી.

ત્યારબાદ તે પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો અને પુનાની યરવડા જેલમાં બંધ હતો. જોકે, આ વખતે પેરોલ પર છૂટયા બાદ તે ફરાર ચાલી રહ્યો હોવાનું પણ બહાર આવ્યું છે. આમ એક અઠવાડિયામાં પોલીસે વૃદ્ધાની થયેલી હત્યાના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. હવે આરોપીની પૂછપરછ કરી તેના ગુનાહિત અન્ય ભૂતકાળ અંગે પણ તપાસ હાથ ધરી છે.