અટલ ઈમ્પેક્ટ: કાળા પથ્થરના ખોદકામની તાત્કાલિક તપાસ, અગાઉની પરમિટવાળી કંપનીને આપી ચેતવણી
patan reti

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

સાંતલપુર તાલુકાના ગામે કાળા પથ્થરનું ખનન હાલની સ્થિતિએ ગેરકાયદેસર હોવાની આશંકા મામલે અટલ સમાચાર ડોટ કોમ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. જેની નોંધ લઈ પાટણ ભૂસ્તરશાસ્ત્રીની ટીમ તાત્કાલિક અસરથી આલુવાસ ગામે પહોંચી હતી. જ્યાં પૂર્વ સરપંચના પરિજનનો સંપર્ક કરી ખનન વાળી જગ્યા બતાવવા અનુરોધ કર્યો હતો. જોકે સરપંચના ભાઇ હાજર ના હોઇ ગામના 2 યુવકોને સાથે મોકલવાની તૈયારી બતાવી હતી. આ દરમ્યાન અનઅધિકૃત ખનન શોધવા ગયેલી ટીમને સ્થળ ઉપર કોઈ મળી આવ્યું નહોતું પરંતુ આશંકા પ્રબળ જણાતાં તકેદારી લીધી હતી. જેમાં અગાઉની પરમિટવાળી કંપનીને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હોવાનું સામે આવ્યું છે. કાળા પથ્થરની ભારેખમ જરૂરિયાત વચ્ચે હજું માંગણી નિર્ણય હેઠળ છે અને કોણ જાણે ખનન કરી રહ્યું છે તે શોધખોળનો વિષય બન્યો છે.


પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આલુવાસ ગામ નજીક કાળા પથ્થરની લીઝ અગાઉ ચાલતી હતી. જેનો ઉપયોગ ભારતમાલા હાઇવે પ્રોજેક્ટ માટે થઇ રહ્યો છે. જોકે આ લીઝના પરમિટ ધારકનો સમયગાળો પૂર્ણ થતાં હાલ આલુવાસ ગામે કાળા પથ્થરની કોઈ લીઝ નથી. જોકે લીઝ નહિ હોવા છતાં કાળા પથ્થરનું ખનન થઈ રહ્યું હોવાનું ગામલોકોને ધ્યાને આવતાં સમગ્ર વિષયે અટલ સમાચાર ડોટ કોમ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. જેથી પાટણ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી અલખ પ્રેમલાણીની ટીમ તાત્કાલિક અસરથી આલુવાસ ગામે પહોંચી હતી. બુધવારે ખાણખનીજની ટીમ તપાસમાં આવી હોવાનું જ્યાં પૂર્વ સરપંચના ભાઇ બાબુભાઈએ જણાવ્યું હતું. જેમાં પોતાનો સંપર્ક કર્યો પણ હાજર નહિ હોઇ ગામના 2 યુવકોને ટીમ સાથે મોકલવા દોડધામ કરી હતી. આ તરફ ભૂસ્તરશાસ્ત્રી પ્રેમલાણીએ જણાવ્યું હતું કે, હા તપાસ કરી પરંતુ સ્થળ ઉપર કોઈ મળી આવ્યું નથી જોકે અગાઉની પરમિટવાળી કંપનીને અનઅધિકૃત ખનન મામલે જરૂરી સુચના આપી છે. હાલ કોઈની પરમિટ ના હોવાથી જો ખનન થતું હશે તેવી જાણકારી મળશે તો તાત્કાલિક કાર્યવાહી થશે.


સૂત્રોએ જણાવ્યું હતું કે, ગામના અનેક લોકો હાલમાં ખનન થઈ રહ્યું હોવાનું જણાવી રહ્યા છે. જેમાં પૂર્વ સરપંચના ભાઇ બાબુભાઈ, સાંતલપુર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન, ગામના યુવાનો સહિતના કાળા પથ્થરનું ખનન હાલની સ્થિતિએ પણ ચાલુ હોવાનું જણાવે છે. જો કોઈ પરમિટ નથી તો આ ગેરકાનૂની ખનન કોણ અને કોની રહેમનજર હેઠળ કરી રહ્યું છે ? આથી પાટણ જિલ્લા ખાણખનીજ કચેરીએ જો આલુવાસ ગામે ગેરકાનૂની ખનન થાય તો આકસ્મિક રેઇડ પાડવા પણ બરોબરની તૈયારી કરી હોવાનું ભૂસ્તરશાસ્ત્રીએ જણાવ્યું છે.