રિપોર્ટ@સુરત: મનરેગા લાખોના કામોમાં ખરીદી ધૂમ, રોજગારીનો કાયદો છતાં ખર્ચ ઝીરો, જાણો રિપોર્ટ

 
Surat

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

સુરત જિલ્લામાં મનરેગા યોજનાની કામગીરી અને અમલવારી બાબતે સામાન્ય અભ્યાસ કરતાં ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. બે ત્રણ તાલુકામાં ઢગલાબંધ કામો જ્યારે અનેક તાલુકાઓમાં ગણતરીના કામો થયા છે. આ સાથે વિવિધ વિભાગો સાથે થયેલ કામોમાં કેટલાક એવા પણ છે કે જેમાં રોજગારી માટેનો ખર્ચ ઝીરો રહ્યો છે. જી હા, કાયદો રોજગારીનો છતાં મટીરીયલ ખરીદીમાં તમામ રૂપિયા વાપરી દીધા અને રોજગારી ખર્ચ શૂન્ય રાખ્યો હતો. આ તમામ વિગતો મનરેગાની સુરત જિલ્લા ટીમ દ્વારા ઓનલાઈન ડેટા અનલોડ મારફતે સામે આવ્યું છે. આ બાબતે ડીડીપીસી મનરેગાએ જણાવ્યું હતું કે, હું 7 વર્ષથી છું આવું બની શકે નહિ. જોકે કુલ રકમનો એકપણ રૂપિયો જોબકાર્ડ ધારકોને નહિ મળતાં અનેક સવાલો ઉભા થયા છે.

Surat

કેટલાક વર્ષ અગાઉ ઉત્તર ગુજરાતમાં મનરેગા કૌભાંડની બૂમરાણ મચી હતી. આ બાબતે દક્ષિણ ગુજરાતના સુરતમાં યોજનાની પારદર્શકતા બાબતે અભ્યાસ કરતાં કેટલાંક ચોંકાવનારા આંકડા મળી આવ્યા છે. સુરત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મનરેગા ટીમ દ્વારા અગાઉ ગંભીર પ્રકારની ગેરરીતિ આચરાઇ હોઈ શકે તેવી પ્રબળ શક્યતા ઉભી થઇ છે. કેટલાક વર્ષ પૂર્વે સુરતના ઉમરપાડા સહિતના ચોક્કસ તાલુકામાં ખૂબ પ્રમાણમાં મનરેગા હેઠળ કામો થયા હતા. જેમાં 2 લાખથી વધુ રકમની ખર્ચ કર્યો પરંતુ 100 ટકા રકમ એકમાત્ર મટીરીયલ પાછળ ખર્ચ કરી જ્યારે લેબર ખર્ચ ઝીરો રાખવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં મનરેગા એક્ટની જોગવાઈનો સરેઆમ ભંગ કર્યો હોવાનું મનરેગાના ઓનલાઇન રિપોર્ટ આધારે સામે આવ્યું છે. આટલું જ નહીં તાજેતરના કામો જોઈએ તો પણ અનેક કામોમાં 70 ટકાથી વધુ રકમ મટીરીયલ પાછળ ખર્ચ થઈ રહી જ્યારે લેબર ખર્ચ 60 ટકાની જોગવાઈ છતાં અમલ નથી. સમગ્ર મામલે સુરત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડીડીપીસી (મનરેગા) સંજયભાઈએ જણાવ્યું હતું કે, ચોક્કસ કામ મુજબ રેશિયો જાળવવો જરૂરી નથી પરંતુ જિલ્લાના તમામ કામો પ્રમાણે 60:40 નો રેશિયો જળવાય છે.

Surat

આ દરમ્યાન અગાઉના વર્ષમાં થયેલા કેટલાક કામોમાં ઝીરો લેબર કેમ તે સવાલ સામે ડીડીપીસીએ જણાવ્યું હતું કે, આવું હોય નહિ છતાં વિગતો મોકલો ચેક કરાવી લઈએ. મનરેગાનો ઓનલાઇન ડેટા જ બતાવી રહ્યો છે કે, ભૂતકાળના વર્ષમાં અનેક કામો જોતાં ધ્યાને આવ્યું કે, 60 ટકાની જોગવાઈ છતાં લેબર ખર્ચ એક ટકો પણ નથી એટલે કે, લેબર પાછળ કોઈ ખર્ચ જ નથી. સમગ્ર બાબતે હવે એ પણ સવાલ ઉભો થાય છે કે, સુરત જિલ્લાના કેટલાક તાલુકાઓમાં ખૂબ મોટા પ્રમાણમાં અને ઝડપી થઈ રહેલા કામોમાં કેટલી પારદર્શકતા હશે ?