વાતાવરણ@ઉ.ગુ.: મહેસાણા-પાટણ સહિત 4 જિલ્લામાં તાપમાન 10 ડિગ્રીથી પણ નીચું જશે, અંબાલાલ પટેલની આગાહી

 
Ambalal Patel

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં ઠંડીના માહોલ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ક્યાં સુધી ઠંડી રહેશે અને ક્યારથી ગરમીની શરૂઆત થશે તે અંગે મોટી આગાહી કરી છે. તેમણે રાજ્યમાં ઠંડી અંગે મોટી આગાહી કરતા જણાવ્યુ છે કે, 24 જાન્યુઆરીથી ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થશે અને ત્યારે કાતિલ ઠંડીની અનુભવ થશે. જ્યારે ફેબ્રુઆરીની 19 તારીખથી ઠંડીમાં ઘટાડો નોંધાશે. આ સાથે તેમણે કહ્યું કે, રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં માવઠું પડવાની પણ આગાહી છે. 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં થોડા દિવસ ઠંડીનું પ્રમાણ ધટશે. જોકે, રાત્રીનું તાપમાન ઘટવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધારે રહેશે. ઉત્તર ગુજરાતનાં વિસ્તારો જેમકે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ વિસનગર, મહેસાણા, હારીજમાં ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રીથી પણ નીચું જવાની શક્યતા રહેશે. ફેબ્રુઆરી અને માર્ચમાં પણ રાતની ઠંડી હાડ થીજવતી રહેશે. બર્ફીલા પવનોની અસર જોવા મળશે.

અંબાલાલ પટેલે ઠંડી અંગેની આગાહી કરતા જણાવ્યુ કે, હાલ ધીરે ધીરે થોડી થોડી ગરમી વધશે પરંતુ 24મી જાન્યુઆરી બાદ ઠંડીનો બીજો રાઉન્ડ આવી શકે છે. આ ઠંડી ઘણી જ આકરી પડી શકે છે. જ્યારે 29મી તારીખની આસપાસ વાદળવાયું વાતાવરણ થવાની શક્યતા છે. જેના કારણે રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ થઇ શકે છે. દેશનાં ઉત્તરનાં વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. અમેરિકા અને યુરોપનાં દેશોમાં હિમનાં તોફાનો પણ થવાની શક્યતા રહેશે.

 

આ સાથે તેમણે જણાવ્યું કે, જાન્યુઆરીનાં અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં જે ઠંડી પડશે તે આકરી હશે. રાત્રીનાં સમયે ન્યૂનતમ તાપમાન એકદમ ઘટી જતા ઉભા કૃષિ પાકમાં હિમ પડવાની શક્યતા પણ રહેશે. આ સાથે 19 અને 20 ફેબ્રુઆરીથી ઠંડીમાં ધીરે ધીરે ઘટાડો થશે અને થોડી ગરમી શરૂ થશે. જ્યારે ચોથી માર્ચથી દિવસનાં ભાગે આકરી ગરમીની શક્યતા રહેશે. આ ઉપરાંત ચાર માર્ચ પછી ધીરે ધીરે ગરમીમાં વધારો થશે. ફેબ્રુઆરી અને માર્ચની બર્ફિલી ઠંડીથી જનધનને બચાવવું જરૂરી બનશે. આ સમયમાં હિમ પણ પડી શકે છે. જેનાથી પશુ ધનને બચાવવા અને ખેતરમાં પિયતની વ્યવસ્થા પણ કરવાની સારી રહેશે.