બેફામ@મહેસાણા: લાંચિયાને નથી રહ્યો ડર ? ગણતરીના દિવસોમાં બીજો તલાટી રૂપિયા લેતાં રંગેહાથ ઝબ્બે

અટલ સમાચાર, મહેસાણા
મહેસાણા જિલ્લામાં એસીબીને ટીમે લાંચિયા અધિકારીઓને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે. આ દરમ્યાન વિસનગર તાલુકાના બોકરવાડા ગ્રામ પંચાયતના ચાર્જમાં રહેલ તલાટી કમ મંત્રી આકારણીમાં નામ કમી કરાવવા મામલે 6 હજારની લાંચ માંગી હતી. જોકે ફરિયાદીલાંચ આપવા માંગતા ન હોય તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. જે બાદમાં એસીબીએ ચાર્જમાં રહેલ તલાટી કમ મંત્રીને લાંચ લેતા ઝડપી પાડ્યો હતો.

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના બોકરવાડાં ગ્રામ પંચાયતમાં ચાર્જમાં રહેલ તલાટી કમ મંત્રી રાજેશ કુમાર વ્રજલાલ શાહ લાંચ લેતા ઝડપાયા છે. વિગતો મુજબ એક અરજદાર પોતાનો પ્લોટ વેચાણ કરેલ હોય જે પ્લોટ જે તે મલિકના નામે કરવા અને આકારણીમાંથી અરજદારને પોતાનું નામ કમી કરાવવા માટે તલાટીને વાત કરી હતી. જે કામ કરી આપવા બદલ તલાટી કમ મંત્રીએ અરજદાર પાસે રૂપિયા 6 હજારની લાંચ માંગી હતી. જોકે ફરિયાદી લાંચ આપવા ઇચ્છુક ન હોય ACBનો સંપર્ક કર્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ACBએ લાંચિયા તલાટી ને ઝડપવા છટકું ગોઠવ્યું હતું. જેમાં ગાંધીનગર એ.સી.બી. એકમના મદદનીશ નિયામક એ. કે. પરમારના સુપરવિઝન હેઠળ મહેસાણા એ.સી.બી.પો.સ્ટેના PI એસ. ડી.ચાવડા સહિતનાએ ગ્રામ પચાયતમાં જ ચાર્જમાં રહેલ તલાટી રાજેશ કુમાર વ્રજલાલ શાહને 6 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. આ સાથે આરોપીને ડીટેઇન કરી આગળની તપાસ શરૂ કરી છે.