તપાસ@નર્મદા: હવે નાંદોદ, ડેડિયાપાડા અને સાગબારા તાલુકામાં પણ શોકપીટની કામગીરી સામે સવાલો

 
Narmada

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

નર્મદા જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન હેઠળના કામોમાં ગરૂડેશ્વર અને તિલકવાડા તાલુકામાં ભ્રષ્ટાચાર સામે આવ્યા બાદ અન્ય તાલુકાઓમાં પણ સવાલો ઉભા થયા છે. નાંદોદ, ડેડિયાપાડા અને સાગબારા તાલુકામાં પણ આ પ્રકારના સામૂહિક શોષકુવા બનાવવામાં આવ્યા હતા. આથી આ ત્રણેય તાલુકામાં પણ શોકપીટની કામગીરી સામે સ્થાનિક સ્તરેથી ગંભીર સવાલો ઉભા થઇ રહ્યા છે. સમગ્ર મામલે જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, રૂટિન તપાસ કરાવીએ છીએ તેમાં જે મળી આવશે તે મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જોકે આ ત્રણેય તાલુકામાં પારદર્શક તપાસ થશે કે કેમ તે બાબતે પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર અને તિલકવાડા તાલુકાના ટીડીઓ સહિતના કર્મચારી અને સરપંચ સહિતના વિરુદ્ધ ફરિયાદ દાખલ થતાં ખળભળાટ મચી ગયો છે ત્યારે સમગ્ર પંચાયત આલમમાં ફફડાટ અને ભાગદોડનું વાતાવરણ ઉભું થયું છે. પોલીસ સ્ટેશને ગુનો દાખલ થયો અને ભારેખમ કલમો સાથે જિલ્લા વિકાસ અધિકારીએ કડક અને નિષ્પક્ષ કાર્યવાહી કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આવી સ્થિતિમાં હવે નાંદોદ, ડેડિયાપાડા અને સાગબારા તાલુકામાં પણ શોકપીટની કામગીરી બરાબર થઈ હતી કે નહિ તે મુદ્દે તપાસનો વિષય બન્યો છે. ગાંધીનગરની ટીમે કયા કયા તાલુકામાં અને ક્યાં સ્થળે મુલાકાત લીધી હતી તેટલા પૂરતી તપાસ સિમીત નથી. આ સંદર્ભે નર્મદા જિલ્લા વિકાસ અધિકારી પન્નુજીએ જણાવ્યું હતું કે, બાકીના તાલુકાઓમાં પણ તપાસ બાદ જે રિપોર્ટ આવશે તે મુજબ આગળની પ્રક્રિયા થશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લાના કુલ 5 તાલુકામાં શોકપીટની કામગીરી થઇ હતી. ગામની સંખ્યા અને જાહેર જગ્યાની વ્યવસ્થા મુજબ સામૂહિક શોષકુવા બનાવવામાં આવ્યા હતા. જોકે ગરૂડેશ્વર અને તિલકવાડા તાલુકાની જેમ નાંદોદ, ડેડિયાપાડા અને સાગબારા તાલુકામાં પણ કામની ગુણવત્તા અને ડીઝાઇનમાં બેદરકારી હશે કે કેમ ? આ બાબતે હવે તમામ વિગતો જિલ્લા પંચાયત અને ગ્રામ વિકાસ એજન્સીની તપાસ બાદ સામે આવશે.