સંકલન@નર્મદા: માત્ર ચા-નાસ્તામાં કરોડથી વધુ ખર્ચ્યા, વનવિભાગ વિરુદ્ધ ધારાસભ્યનો ભ્રષ્ટાચારનો આરોપ

 
Narmada

અટલ સમાચાર ડોટ કોમ, રાજપીપળા

આજે નર્મદા કલેક્ટર કચેરીમાં યોજાયેલી સંકલનની બેઠકમાં જેની આશંકા હતી બરાબર એવું જ થયું. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ કેટલાક વિભાગોની કામગીરીમાં ચોંકાવનારો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરતાં ખળભળાટ મચી ગયો છે. કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન ફરિયાદ સમિતિની બેઠકમાં ધારાસભ્ય વસાવાએ જણાવ્યું હતું કે, વનવિભાગે એક કાર્યક્રમમાં માત્ર ચા-નાસ્તામાં કરોડથી વધુ ખર્ચ્યા હોઇ ડીસીએફ અને આરએફઓ ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે.

નર્મદા જિલ્લાની દેડીયાપાડા વિધાનસભા બેઠકના તેજતર્રાર ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે કલેક્ટરની સંકલન બેઠકમાં સરકારી બાબુઓના વહીવટ ઉપર સવાલો ઉભા કર્યા હતા. જેમાં નર્મદા જિલ્લાના પૂર્વ મદદનીશ આદિજાતિ કમિશનરે લાગતી વળગતી એજન્સી સાથે ગોઠવણ પાડી કરોડો રૂપિયાનું બજેટ સેટ કર્યું દીધાનો આક્ષેપ કર્યો હતો. જેમા મોડલ સ્કૂલનુ બાંધકામ પૂર્ણ છતાં ફરીથી ભૌતિક સુવિધાઓના નામે 7.50 કરોડનો ખર્ચ પાડી ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું કહ્યું હતું. આ મોડલ સ્કૂલ માટે કરેલ વિવિધ ચીજવસ્તુઓની ખરીદીમાં 10 ઘણું એસ્ટીમેટ બનાવી કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો હતો. આ સાથે નલ સે જલ યોજનામાં 365 યોજના પુર્ણ બતાવી કરોડો રૂપિયા વાપરી દીધા પરંતુ કોઈ જગ્યાએ નળમાં પાણી આવ્યું ન હોવાનું જણાવ્યું હતું.

આટલું જ નહિ, ધારાસભ્ય વસાવાએ મનરેગા યોજનામાં પણ ગેરરીતિ કેવી રીતે થાય છે તેનો ઘટસ્ફોટ કર્યો હતો. સૌપ્રથમ તો ગ્રામ વિકાસ એજન્સીએ ગોળ ગોળ માહિતી આપી હોવાનું જણાવ્યું હતું. આ સાથે કહ્યું કે, ગ્રામ વિકાસ એજન્સીના નિયામકે ઈરાદાપૂર્વક વર્ષોથી જલારામ એન્ટરપ્રાઈઝને કામ આપી તેનો કોન્ટ્રાક્ટ પણ ડાયરેક્ટ રીન્યુ કરી 70 કરોડની ગેરરીતિ આચરી હોવાનો આક્ષેપ કરતાં હડકંપ મચી જવા પામ્યો છે. 

આ દરમ્યાન સૌથી વધુ ચકચાર તો વન વિભાગના કૌશલ્ય વર્ધન કેન્દ્રના કાર્યક્રમ માટે થયેલ ખર્ચ ઉપર થઈ છે. જેમાં ગત મે મહિનામાં નર્મદા વનવિભાગે દેડીયાપાડા ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલા કૌશલ્ય વર્ધક કેન્દ્રના કાર્યક્રમમાં ભાવ મંગાવ્યા વગર “ચા” ના 1.10 કરોડ, એસ.ટી નિગમને 35 લાખ, ખાનગી વાહનોને 70 લાખ, મંડપવાળાને 1.19 કરોડની રકમ ચૂકવવામાં પણ મોટાપાયે ગેરરીતિ આચરી હોવાનો આક્ષેપ કર્યો છે. વનવિભાગના નાયબ વન સંરક્ષક અને ડેડિયાપાડા આરએફઓએ ભેગાં મળીને લાગતી વળગતી એજન્સીને વાઉચર ઉપર કરોડો રૂપિયા ચુકવી દીધા હોવાનો આરોપ લગાવતાં સંકલનની બેઠકમાં ઘડીભર ચોંકાવનારી સ્થિતિ બની હતી.