વાતાવરણ@ગુજરાત: 3 દિવસ સૂસવાટાભેર પવન સાથે પડશે કાતિલ ઠંડી, ઉત્તરમાં પારો 10 ડિગ્રીથી પણ નીચે ગગડી શકે

 
Winter

અટલ સમાચાર , ડેસ્ક

ગુજરાતમાં કડકડતી ઠંડીનો માહોલ જામી રહ્યો છે. ત્યારે સોમવારે ગુજરાતનાં 14 શહેરોમાં 10 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હતુ. જેમાં સૌથી ઓછું ગાંધીનરમાં 7.8 ડિગ્રી અને નલિયામાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. તો હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું છે કે, ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ઠંડીનું જોર વધશે અને ત્યારબાદ ઠંડીમાં ઘટાડો થઇ શકે છે.

રાજ્યમાં શિયાળાની ઋતુના અંતિમ મહા માસના પ્રારંભ સાથે ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયો છે. ગઈકાલથી રાજ્યમાં મોટાભાગના શહેરોમાં તાપમાન ગગડતા લોકો ધ્રુજી ઊઠયા હતા. આજે રાજ્યના 14 શહેરોમાં 10 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું હતું. હવામાન ખાતાએ આગામી ત્રણ દિવસ સુધી ઠંડીનું જોર રહેશે ત્યારબાદ ધીમે ધીમે ઠંડીમાં ઘટાડો થવાની આગાહી કરી છે.

હવામાન વિભાગનાં ડાયરેક્ટ મનોરમા મોહંતીનાં જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં આજથી પવનનાં સુસવાટા સાથે ઠંડી વધશે. આ સાથે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ઠંડીમાં વધારો થશે. રાજ્યનાં અનેક વિસ્તારોમાં બેથી ત્રણ દિવસ બાદ વાદળછાયું વાતાવરણ રહેશે. જોકે રાતનાં તાપમાનમાં કોઇ ફેરફાર થવાની આગાહી નથી. આ ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યુ કે, હાલ ગુજરાતમાં વરસાદની આગાહી નથી. જ્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, 23થી 29 જાન્યુઆરી સુધી માવઠાની આશંકા છે. કેટલાક સ્થળે કમોસમી વરસાદ પડી શકે છે. જાન્યુઆરીના અંતમાં કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતનાં વાતાવરણ અંગે આગાહી કરી છે. તેમણે જણાવ્યુ છે કે, 24, 25, 26 સુધી ગુજરાતમાં કાતિલ ઠંડીનો મારો રહેશે. ડિસેમ્બરથી અત્યાર સુધી ન પડેલી ખરી ઠંડી હવે પડશે. ઉત્તર ગુજરાતના જિલ્લાવાસીઓ સાવધાન રહેજો. બનાસકાંઠા, પાટણ, મહેસાણા માટે આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં પારો 10 ડિગ્રીથી પણ નીચે ગગડી શકે છે.