બ્રેકિંગ@વિજાપુર: ચાલુ ધારાસભ્યને રિપીટ કરતાં કોલાહલ, રમણ પટેલ વિરુદ્ધ મોટું જૂથ કમલમ પહોંચ્યું, જાણો રિપોર્ટ

 
Kamlam

અટલ સમાચાર ડોટ કોમ, વિજાપુર

મહેસાણા જિલ્લામાં ભલે એકપણ સીટ ઉપર નિતીન પટેલ ઉમેદવાર નથી અને ઉમેદવારી જ ભૂતકાળ ભલે બની પરંતુ દબદબો કાયમ છે. આ વાત ખૂબ માન્ય હતી પરંતુ અચાનક વિજાપુર વિધાનસભા બેઠક ઉપર ખુદ ભાજપા કાર્યકરોનો કોલાહલ ઉભો થતાં ખળભળાટ મચી ગયો છે. હાલના ધારાસભ્ય અને નિતીન પટેલના ખૂબ નજીક એવા રમણ પટેલને ભાજપે ફરીથી ટિકીટ આપતાં વિરોધ સર્જાયો છે. પૂર્વ ધારાસભ્ય પીકે પટેલ સહિતના ભાજપી આગેવાનો અને કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં એકઠા થઇ કમલમ પહોંચી ગયા હતા. કમલમ પહોંચી રમણલાલ હટાવો, ભાજપ બચાવો જેવા સૂત્રોચ્ચાર શરૂ કરતાં વિજાપુર સહિત મહેસાણા જિલ્લા રાજકીય આલમમાં ચકચાર મચી જવા પામી છે. વિરોધ ખુલીને બહાર આવતાં ધારાસભ્ય રમણ પટેલ અને જિલ્લા ભાજપા સંગઠન માટે ચોંકાવનારી સ્થિતિ બની છે. મામલો છેક કમલમ એટલે કે પ્રદેશ કક્ષાએ પહોંચી જતાં કંઈક રસ્તો કાઢવો કે કઢાવવાની નોબત પણ બની છે. આવો જાણીએ કેમ બની આ પરિસ્થિતિ.

મહેસાણા જિલ્લાની મોટાભાગની બેઠકો ઉપર ભાજપે ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જેમાં ખાસ કોઈ બેઠક ઉપર ઉમેદવારનો વિરોધ ગઈકાલ સુધી ખુલીને જોવા મળ્યો નહોતો. જોકે આજે અચાનક વિજાપુર વિધાનસભા બેઠકના ઉમેદવાર અને ચાલુ ધારાસભ્ય રમણલાલ પટેલ વિરુદ્ધ ખૂબ મોટી સંખ્યામાં ભાજપા કાર્યકરો એકઠા થયા છે. પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કોંગ્રેસી નેતા પીકે પટેલ કંઈક મળી શકેની આશામાં ભાજપમાં જોડાયા હતા. પીકે પટેલ ભાજપમાં આવ્યા બાદ 2022 માં વિજાપુર બેઠક ઉપર ભાજપ ટિકીટ આપશે તેવી ખૂબ મોટી આશા રાખી રહ્યા હતા. તો બીજી તરફ સ્થાનિક ભાજપી આગેવાનો અને સ્થાનિક પાટીદાર નેતાઓ પણ રમણલાલ વેપારમાંથી નવરા નહિ પડતાં હોવાની વાતે ટિકીટની દાવેદારીમાં હતા. જોકે ભાજપે ફરીથી રમણલાલ પટેલને ઉમેદવાર જાહેર કરતાં ટિકીટ વાંચ્છુઓ ચોંકી ઉઠ્યા છે. ટિકીટ જાહેર થયા બાદ આંતરિક ઉકળાટ અને શું થઈ ગયું, બદલાવો બદલાવોની દોડધામમાં લાગી ગયા હતા. જોકે ભાજપનું મોવડીમંડળ એમ કંઈ થોડો ફેરફાર કરી આપે ? આવી પરિસ્થિતિમાં પૂર્વ ધારાસભ્ય પીકે પટેલ તેમના સમર્થકો અને અન્ય કેટલાક રમણલાલ વિરોધી ભાજપી સમર્થકો મોટી સંખ્યામાં કમલમ પહોંચી જાહેરમાં વિરોધ કરવા ઉતર્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, પીકે પટેલ કોંગ્રેસમાં હતા ત્યારે ધારાસભ્ય હતા, આ પછી ભાજપમાં જોડાયા બાદ કેટલાય વર્ષોથી કંઈ ખાસ સત્તાવાળો હોદ્દો મળ્યો નથી. આથી પીકે પટેલ આ વખતે ટિકીટ મળી જ જશે તેવી આશા વચ્ચે હતા પરંતુ રમણલાલ પટેલને ભાજપે રિપીટ કરતાં આશાસ્પદ ભાજપી આગેવાનોને પગ તળેથી જમીન સરકી ગઇ હોય તેવી નોબત બની છે. હવે ભાજપ તો કંઈ બદલાવ કરશે નહિ તો આ કમલમની બહાર જાહેરમાં શરૂ થયેલો વિરોધ રમણલાલ પટેલને કેટલો નુકસાન પહોંચાડી શકે અથવા વિરોધીઓનો વિરોધ મતદાનમાં નિરર્થક થશે તે તો આવનારો સમય જ બતાવશે.