દોડધામ@ડીસા: ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને ચોંકાવી દેતી સભા કરી અપક્ષે, હંફાવવાની દહેશત

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર
બનાસકાંઠા જિલ્લાની ડીસા વિધાનસભા બેઠક અત્યારે મતદારો માટે ટોપ ટેન ચર્ચામાં છે. બે પૂર્વ ધારાસભ્યના પુત્રો સામસામે છે તો આ બંને નેતાપુત્રો વિરુદ્ધ પણ બળિયા ઉભા જ છે. ખૂબ મોટા પ્રમાણમાં ઠાકોર મતદારો હોઇ અને સમાજનો સાથ હોઇ લેબાજી ઠાકોરે જંગી સભા યોજી ભાજપ અને કોંગ્રેસને મહા પડકાર આપી દીધો છે. ડીસા વિધાનસભા બેઠક ભાજપે જીતેલી હોઇ ફરીથી કમળ ખિલશે તેવી આશા તો બીજી તરફ પરિવર્તનની પ્રબળ આશા કોંગ્રેસને હોય પરંતુ આ બંને સામે તાલુકા ભાજપ પ્રમુખ લેબાજીએ શક્તિ પ્રદર્શન કરતાં દોડધામ મચી ગઇ છે. આવો જાણીએ કેમ અને કેવી રીતે થઇ શકે અસર...
બનાસકાંઠા જિલ્લાની એકમાત્ર બટાકા નગરી અત્યારે વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોની સભા નગરી બનતી જાય છે. સૌથી પહેલાં ભાજપના ઉમેદવાર પ્રવિણ માળીએ જંગી કાફલો યોજી શક્તિ પ્રદર્શનનો પરચો આપ્યો તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર દેસાઇએ પણ રાજ્યના દિગ્ગજ કોંગી નેતાઓ બોલાવી એલાન એ જંગની શરૂઆત કરી હતી. હવે આ બંને હરિફ પાર્ટીઓ સામે અચાનક ભાજપના આગેવાન લેબાજી ઠાકોરે લાખણી હાઇવે પરના કોલ્ડ સ્ટોરેજ ખાતે વિશાળ સંખ્યામાં મોટી સભા કરી શક્તિ પ્રદર્શન કર્યું હતું. આવી સ્થિતિમાં ભાજપના ઉમેદવારને જીતાડવા ઈચ્છતા સંગઠનના હોદ્દેદારો માટે દોડધામની નોબત આવી છે. તો આ તરફ શું પોતાના મતો કપાઇ જશે કે કેમ તેવી ચિંતાના વાદળો કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા ઈચ્છતા સંગઠનના હોદ્દેદારો માટે સર્જાયા છે. જો ખૂબ મહેનત કરીને લેબાજી ખરેખર ઉમેદવાર તરીકે ઉતરે છે તો ડીસા વિધાનસભા બેઠકના ઠાકોર મતદારો હુકમનો એક્કો બની શકે છે. લેબાજીની સભાને પગલે રાજકીય પંડિતોને પણ વિચારતાં કરી દીધા છે કે, લેબાજી આખરે કોના મતોમાં ગાબડું પાડી શકે ? શું લેબાજીની ઉમેદવારી ફાઇનલ બને તો સૌથી વધુ કઈ પાર્ટીને નુકસાન કારક બને તે ચર્ચાનો વિષય બન્યો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ડીસા વિધાનસભા બેઠક ઉપર ઠાકોર સમાજનાં નિર્ણાયક મતદારો છે એ વાતમાં દમ છે. હવે ભાજપની રણનીતિ અને સામે કોંગ્રેસની તડામાર તૈયારીઓ છતાં લેબાજીની સભા જોતાં મળેલું જન સમર્થન ચૂંટણી દરમિયાન અસરકારક બને તે સો ટકા શક્ય છે. લેબાજીની સભા બાદ ભાજપ અને કોંગ્રેસ દ્વારા કેમ કરીને પોતાને માટે નુકસાન ઓછું અને ફાયદો વધુ થાય તેને લઈને આગામી આયોજનો ગોઠવાઇ રહ્યા છે.