ખળખળાટ@દાંતીવાડા: સરકારી જમીનમાંથી રાત્રિએ બેફામ રેતીચોરી, સાંઠગાંઠથી જંગલ જમીનમાં પણ ખનન

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર
દાંતીવાડા તાલુકામાં રેતી ચોરીના સમાચાર અગાઉ ક્યારેક સાંભળ્યા, જોયા કે વાંચ્યાં હશે પરંતુ આ રિપોર્ટ ચોંકાવનારો બની શકે છે. નદી અને જંગલ જમીનમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરી રાત્રિ દરમિયાન બેફામ રેતી ચોરી કરવામાં આવી રહી છે. એકબીજાના મેળાપીપણામાં સાંઠગાંઠ રચી દૈનિક મોટી સંખ્યામાં જેસીબી મારફતે ડમ્પરોમાં રેતી ભરી જરૂરિયાતના સ્થળે ઠાલવી રહ્યા છે. કોઈ જ પરવાનગી નહિ, સંપૂર્ણ ગેરકાયદેસર ખનન છતાં ખનન માફિયા બેફામ છે. કેમ કે, જો રેડ પડે પડવાની હોય તો માહિતી મેળવી એલર્ટ થઈ થોડા સમય પૂરતું સાચવી લે છે. રેઈડનો સમય જેવો પૂર્ણ થાય એવા ફરીથી ગેરકાયદેસર રેતી ચોરીમાં લાગી જાય છે. આવો જાણીએ સમગ્ર અહેવાલ...

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના પાંછવાળ ગામ નજીક ગંગેશ્વર મહાદેવ પાસેથી પસાર થતી સીપુ નદી પટમાંથી અધધધ.... પ્રમાણમાં રેતી ચોરીનો કારસો સામે આવ્યો છે. એક ચોક્કસ સાંઠગાંઠથી દૈનિક ધોરણે રાત્રિ દરમિયાન રેતી ઉઠાવવામાં આવી રહી છે. હવે આ બાબતનાં સમાચાર કેટલાક દિવસો પહેલાં આવ્યા હતા પરંતુ રેઇડ પડી એટલે ખનન માફિયા થોડા કલાકો પૂરતાં ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. જોકે આ ઘટનાક્રમની ઊંડાણમાં જતાં ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. નદી પટની સરકારી જગ્યામાં અને નજીકમાં આવેલી જંગલ જમીનમાં પણ રેતી ચોરોએ બેફામ ખનન કર્યું છે. જંગલની જમીન તો વળી સેન્ચુરીમા આવતી હોવા છતાં ગેરકાયદેસર પ્રવેશ કરી, ગેરકાયદેસર ખનન કરી, ગેરકાયદેસર ખનીજ ચોરી કરી ખનન માફિયાઓએ જાણે ચેલેન્જ ઉભી કરી છે. રેતી ચોરોએ લાગતાવળગતા સાથે સેટિંગ્સ ગોઠવી રાત્રિ દરમિયાન ચોક્કસ સંખ્યામાં ડમ્પરો કાઢવાનો કારસો રચ્યો છે. આ સંગઠિત કારસામાં રેતી ચોરો તો ગેરકાયદેસર રીતે કરોડો ભેગાં કરી રહ્યા છે તો સાથે સાથે લાગતાવળગતા પણ બેનામી સંપત્તિ એકઠી કરી સરકાર સાથે વિશ્વાસઘાત આચરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, જો બનાસકાંઠા જંગલ વિભાગ, ખાણખનીજ કચેરી, ડીઆઇએલઆર સહિતના માપણી કરે તો કરોડોની ખનીજ ચોરી સામે આવી શકે છે. આટલું જ નહિ જો પારદર્શક તપાસ રિપોર્ટ બને તો ખનીજ ચોરી નહિ થવા દેવાની જવાબદારીમાં આવતાં હોય તેમનાં વિરુદ્ધ પણ ધોરણસરની કાર્યવાહી થઈ શકે છે. રેતી ચોરોને રેઈડની બાતમી આપવી, રેતી ચોરોને છાવરવા, ગેરકાયદેસર ખનન કરવા દેવું તે સહિતની બાબતોમાં બેદરકારી, નિષ્કાળજી, ફરજમાં ચૂક બદલ અનેક સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. ગાંધીનગરથી ખાણખનીજની ફ્લાઈગ સ્ક્વોર્ડની ટીમ અને જંગલ વિભાગની ટીમ કોઈને પણ જાણ કર્યા વગર સંયુક્ત રેઈડ કરે તો રેતી ચોરીનો મોટો ઘટસ્ફોટ થઈ શકે તેવું સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું.