ચેતવણીઃ દાગીના ચમકાવી આપવા કહી ઇસમો દાદી જોડેથી 5 તોલા સોનું લઇ ફરાર થયા

મહિલાને શક જતાં તેણે કૂકર ખોલીને જોતાં તેમનું 5 તોલા સોનું ગાયબ હતું. હિન્દી, તમિળ અને અંગ્રેજી ભાષા બોલતા બન્ને ભેજાબાજોએ તેમને ઠગ્યા હોવાનો અહેસાસ થતાં તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.
 
sonu

અટલ સમાચાર, ડેસ્ક

અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે આવેલી સહજાનંદ એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાના ઘરે બે ઠગ આવ્યા હતા, જેમણે મહિલાને સોનું ચમકાવી આપવા કહી ચાંદીની વાડકી ચકચકિત કરી આપતાં મહિલાએ વિશ્વાસમાં આવી સોનાની ચેઇન, બે સોનાના પાટલા અને મંગળસૂત્ર પણ કાઢી આપ્યાં હતાં. એના ઉપર લાલ રંગનું કેમિકલ લગાવી મહિલાને તરત કૂકરમાં પાણી ગરમ કરી હળદર નાખી બે સિટી વગાડવા કહ્યું હતું.

જેથી ભેજાબાજોએ કૂકરમાં સોનાના દાગીના નાખી દીધા હતા. ઉપરાંત અમે પાંચ મિનિટમાં આવીએ છીએ એમ કહી બન્ને ફરાર થઈ ગયા હતા. મહિલાને શક જતાં તેણે કૂકર ખોલીને જોતાં તેમનું 5 તોલા સોનું ગાયબ હતું. હિન્દી, તમિળ અને અંગ્રેજી ભાષા બોલતા બન્ને ભેજાબાજોએ તેમને ઠગ્યા હોવાનો અહેસાસ થતાં તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો
આ અંગે પોતાના દાગીના ખોનારાં પૂર્ણિમાબેન દવેએ જણાવ્યું હતું કે બેમાંથી એક શખ્સ બહાર ઊભો હતો, જે તરત નીચે જતો રહ્યો હતો અને પછી મારી સાથે રસોડામાં ઊભી હતી વ્યક્તિ પણ હું હમણાં આવું છું એમ કહી ફટાફટ નીચે ઊતરીને જતી રહી હતી. મને શક થયો એટલે મેં કૂકર કાઢીને અંદર જોયું તો ઘરેણાં નહોતાં. મારું પાંચ તોલાનું સોનું હતું એમ કહેતાં બેન રડી પડ્યાં હતાં.પૂર્ણિમાબેને વધુમાં જણાવ્યું હતું કે મારું મંગળસૂત્ર છેલ્લાં 33 વર્ષથી મારા ગળામાં હું પહેરતી હતી, કોઇ દિવસ કાઢતી નહોતી. મને તરત જ ખૂબ શોક લાગ્યો એટલે હું પાછળ ભાગીને જોવા ગઇ તો નીચે કામવાળાં બેન ઊભાં હતાં. મેં તેને પણ પૂછ્યું કે પેલા સફેદ કલરવાળા શર્ટ પહેરીને બે જણા આવ્યા હતા એ ક્યાં ગયા? તો તેમણે કહ્યું કે એ લોકો બાઇક પર ભાગી ગયા.

આટલું કહી મહિલાએ સૌને નિવેદન કરતાં જણાવ્યું હતું કે કોઇના વિશ્વાસે તમે બારણું ખોલશો નહિ, હું આજે એકલી હતી ઘરમાં એટલે મારું બધું જતું રહ્યું. તમે પણ કોઇ દિવસ તમારું બારણું ખોલશો નહિ, કોઇના વિશ્વાસે તમારાં ઘરેણાં કાઢીને ન આપશો. આ જ મારી રિક્વેસ્ટ છે. એ બંને શખસ વિશે પૂછતાં મહિલાએ જણાવ્યું હતું કે એ લોકો હિન્દીમાં બોલતા હતા, યુપીના હોવાનું તેમણે મહિલાને જણાવ્યું હતું, પણ એ લોકો તમિળ સહિત તમામ ભાષા બોલતા હતા તેમજ થોડું થોડું ઇગ્લિંશ પણ બોલતા હતા.

શખસોના પહેરવેશ અંગે તેમણે સફેદ કલરનું ફુલ લેન્થ શર્ટ પહેરેલું અને વાદળી કલરનું પેન્ટ પહેર્યું હતું. બૂટ અને ટાઇ પણ પહેરેલી હતી. ઉપરાંત રોયલ કાર્ડ બતાવ્યું હતું, જેનો મહિલાએ ફોટો પણ પાડી રાખ્યો છે. મહિલાને કાર્ડ પર સાઇન કરવાનું કહેતાં તેમણે સાઇન નહોતી કરી, પરંતુ એ કાર્ડનો ફોટો પાડી લીધો હતો, જેથી અત્યારે મહિલા પાસે પ્રૂફ તરીકે હાલમાં માત્ર એ કાર્ડનો ફોટો જ છે.