આગાહી@ગુજરાત: રાજ્યમાં ફરી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?

 
Winter

અટલ સમાચાર, ડેસ્ક

ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના કારણે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો વધતો જાય છે. ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી વધતી જાય છે. ઠંડા પવનના કારણે લોકો ઠંડીમાં ઠુંઠવાય છે. ત્યારે ગુજરાતમાં ફરીથી 10 ડિગ્રીથી નીચે તાપમાન ગયું છે. આગામી દિવસોમાં ઠંડી વધવાનું હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે.  

 

ઉત્તર ભારતમાં કોલ્ડવેવના પગલે ગુજરાતમાં પણ ઠંડા પવનો ફૂંકાઇ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં ગુજરાતમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાન નીચું જશે. ઉત્તરાયણના દિવસે પણ ઠંડો પવન રહેશે. લોકો ધાબા ઉપર પણ ઠુંઠવાશે. બુધવારે નલિયામાં સૌથી નીચું તાપમાન 9.4 ડિગ્રી નોંધાયું છે જ્યારે અમદાવાદમાં 13.7 ડિગ્રી, ગાંધીનગરમાં 12.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું છે.

ભારતીય હવામાન વિભાગ (IMD)ના અનુમાન મુજબ હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતિ અને કિન્નૌરના કેટલાક વિસ્તારોમાં 3 દિવસ સુધી હિમવર્ષા ચાલુ રહેશે. ઊંચા વિસ્તારોમાં મધ્યમ હિમવર્ષા જ્યારે અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ/બરફ પડવાની શક્યતા છે. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં હળવો વરસાદ પડશે અને હિમવર્ષાની શક્યતા ઓછી છે.