કાર્યવાહી@ગુજરાત: મોરબી દુર્ઘટનામાં જયસુખ પટેલનું નામ ભાગેડું આરોપી તરીકે દર્શાવાયું, ચાર્જશીટ રજૂ કરાઈ

 
Jaysukh Patel

અટલ સમાચાર, ડેસ્ક

મોરબી પુલ દુર્ઘટનામાં આજે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઈ છે. જેમાં ભાગેડું આરોપી તરીકે જયસુખ પટેલનું નામ દર્શાવાયું છે. કુલ 1262 પાનાની ચાર્જશીટને પોલીસે કોર્ટમાં રજૂ કરી છે. સરકારી વકીલે જણાવ્યું હતું કે, સોમવારે 90 દિવસ પૂર્ણ થવાના છે. 90 દિવસ પૂર્ણ થાય તે પહેલા ચાર્જશીટ રજૂ કરાઈ છે. નોંધનીય છે કે, અત્યાર સુધીમાં કેસમાં 9 આરોપીઓ પકડાયા છે, જ્યારે 10માં આરોપી તરીકે જયસુખ પટેલનું નામ દાખલ થયું છે.

તાજેતરમાં હાઇકોર્ટમાં ઓરેવા ગ્રુપ તરફથી વળતર આપવાની વાત રજૂ કરવામાં આવી હતી. ચાર્જશીટ દાખલ થયા બાદ જેલમાં રહેલા આરોપીઓ ફરી એક વખત પોતાની જામીન અરજી મૂકશે. જ્યારે આ કેસમાં જયસુખ પટેલે આગોતરા જામીન અરજી કરી છે. જયસુખ પટેલની અરજી પર 1 ફેબ્રુઆરીએ નિર્ણય લેવાશે.

મોરબી પૂલ દુર્ઘટના કેસમાં ચાર્જશીટ દાખલ કરાઇ છે, ત્યારે સૂત્રોનું માનીએ તો આરોપી જયસુખ પટેલની આજે ધરપકડ થઈ શકે છે. ધરપકડના ડરથી જયસુખ પટેલ હાજર થાય તેવી પણ શક્યતા છે. ચાર્જશીટમાં પોલીસે જયસુખ પટેલનું નામ નાસતા ફરતા આરોપી તરીકે દાખલ કર્યું છે, તેથી તે હાજર થાય તેવી શક્યતાઓ પણ છે.