રાજકારણ@ગુજરાત: વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડની પસંદગી, જાણો એક જ ક્લિકે

અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાત વિધાનસભાના એક દિવસીય સત્રમાં વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની પસંદગી કરવામાં આવી છે. વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી અને ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડની પસંદગી કરવામાં આવી છે. આજે વિધાનસભા ગૃહની પ્રથમ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ગૃહમાં અધ્યક્ષના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેને મંત્રી ઋષિકેશ પટેલે ટેકો આપ્યો હતો. જે બાદ સર્વાનુમતે પ્રસ્તાવનો સ્વીકાર કરાયા બાદ અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની પસંદગી કરવામાં આવી હતી.
આ તરફ સિનિયર મંત્રી કનુ દેસાઈએ વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને સંસદીયમંત્રી ઋષિકેશ પટેલે ટેકો આપ્યો હતો. આ પ્રસ્તાવને સર્વાનુમતે સ્વીકાર કરાયા બાદ જેઠા ભરવાડની ઉપાધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લાની પાંચ બેઠકોમાં શહેરા બેઠક ચર્ચાના કેન્દ્રમાં રહી હતી. અહીં ભાજપે ક્ષત્રિય ઉમેદવારને ટિકિટ ન આપતા આ બેઠક ચર્ચામાં રહી હતી. ભાજપે ફરી સીટીંગ MLA જેઠા ભરવાડને ટિકિટ આપી હતી. આ બેઠક પર ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો.
મહત્વનું છે કે, કોંગ્રેસે આ બેઠક પર ખાતુભાઈ પગીને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે આમ આદમી પાર્ટીએ તખતસિંહ સોલંકીને ટિકિટ આપી હતી. જોકે, આ ચૂંટણીમાં શહેરા બેઠક પરથી પોલીસ-કોન્સ્ટેબલમાંથી ધારાસભ્યપદ સુધી પહોંચનારા જેઠાભાઈ ભરવાડ બાજી મારી ગયા હતા. શહેરાની જનતા ફરી એકવાર જેઠા ભરવાડને ચૂટી લાવતા તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો.