નિવેદન@બનાસકાંઠા: PM મોદીએ ઓગડનાથજી મહારાજના મંદિરે દર્શન કર્યા, કહ્યું કાંકરેજની ગાયો દેશ-વિદેશમાં વખણાય છે

 
PM Modi In Kankrej

અટલ સમાચાર, ડેસ્ક 

આજે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજાઈ હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, પહેલા ચરણમાં ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીનો ડંકો વગાડી દીધો છે. ભૂતકાળના તમામ રેકૉર્ડ તોડીને ભાજપ વિજયી બનવાની છે. જે બાદ પીએમ મોદીએ જણાવ્યું કે, મને યાદ છે હમણા થોડા સપ્તાહ પહેલા દિલ્હીમાં ડેરી સેક્ટરનો મોટો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દેશ-વિદેશથી લોકો આવ્યા હતા. આ કાર્યક્રમમાં મે કાંકરેજની ગાયની વાત કરી હતી, દેશ-વિદેશમાં ગીર અને કાંકરેજની ગાયની વાતો થાય છે.

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના નાથપુરા ગામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજાઈ હતી. જેમાં તેઓએ ભારત માતાની જય બોલાવીને સંબોધન ચાલુ કર્યું હતું. જે બાદ PM મોદીએ જણાવ્યું કે, પહેલા ચરણમાં ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીનો ડંકો વગાડી દીધો છે. ભૂતકાળના તમામ રેકૉર્ડ તોડીને ભાજપ વિજયી બનવાની છે. ખાસ કરીને જે ફર્સ્ટ ટાઈમ વોટર છે એમનો ઉત્સાહ અને માતાઓ-બહેનોના ઉમળકાએ આ ચૂંટણી પરિણામો પાક્કા કરી નાખ્યા છે. ભાઈઓ-બહેનો જ્યાં જઈએ ત્યાં એક જ વાત સંભળાય, લોકોના મુખેથી એક જ વાત નીકળે છે કે ફીર એક બાર મોદી સરકાર.'

આ સાથે સરદાર સરોવર ડેમને લઈને કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે, જે લોકોએ સરોવરના ડેમ ન બને એના માટે અનેક પ્રયાસો કોંગ્રેસે કર્યા હતા. જે લોકોએ સરદાર સરોવર ડેમને અટકાવ્યો હતો, કોર્ટ-કચેરીઓમાં લઈ ગયા હતા, એમના ખભે હાથ મુકીને કોંગ્રેસના નેતાઓ પદયાત્રા કરે છે. જેણે પાણી રોક્યું હોય એ પાપને માફ કરાય? બનાસકાંઠાને તરસ્યું રાખ્યું એના માટે આ કોંગ્રેસ પાર્ટી જવાબદાર છે, પરંતુ તમે ચૂંટણી આવે એટલે ભૂલી જાવ છો. આ વખતે તો નહીં ભૂલોને?