વાતાવરણ@ગુજરાત: હવામાન વિભાગની આગાહી મુજબ જાણો ક્યાં વિસ્તારમાં હજુ પડી શકે છે વરસાદ ?

 
Monsoon

અટલ સમાચાર, ડેસ્ક

હવામાન વિભાગના અનુસાર વેલમાર્ક લૉ પ્રેશર સિસ્ટમને લઈ બે દિવસ કમોસમી વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ, રાજકોટ, ઉત્તર ગુજરાતના અરવલ્લી અને દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં માવઠું પડશે.વરસાદ દરમિયાન ખેડૂતોને પાકનું ધ્યાન રાખવા સૂચના અપાઈ છે. જો કે, 2 દિવસ બાદ વાતાવરણ સૂકું રહેશે. 20 ડિસેમ્બર બાદ કડકડતી ઠંડી પડવાની આગાહી કરાઈ છે.

અમરેલીમાં હવામાન વિભાગની આગાહીને લઈ સમુદ્રમાં ડિપ્રેસરના કારણે જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવ્યું છે.

જાફરાબાદ પીપાવાવ દરિયા કાંઠે કમોસમી વરસાદની અસર દેખાય શકે છે.ખેડૂતોએ પોતાની જણસો ખુલ્લામાં ન રાખવા તંત્ર દ્વારા સૂચના આપી દેવાઇ છે. વલસાડ જિલ્લામાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો હતો. કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતાં ભર શિયાળે અષાઢ જેવો મહોલ જોવા મળ્યો હતો. ચોમાસાની જેમ ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ખેતીના પાકમાં નુકસાનીની ભીતિના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ..

આ સાથે ડાંગના ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં 3 દિવસથી માવઠાની અસર જોવા મળી રહી છે. શાકભાજી, ડુંગળી, ઘઉં અને સ્ટ્રોબેરી જેવા પાકો કરતા ખેડૂતોને નુકશાનની ભીતિ સેવાઇ રહી છે.