કચ્છઃ ક્ષત્રિય દીકરાએ મુસ્લિમ યુવાન માટે પોતાનો જીવ આપી દીધો, અંતે બંને યુવકોના કરૂણ મોત

આ ઘટના બાદ મુસ્લિમ યુવાન અકરમનો મૃતદેહ મળ્યો હતો. જ્યારે જિતેન્દ્રસિંહ જાડેજાનો મૃતદેહ જે જગ્યાએ બનાવ બન્યો હતો એનાથી 10 કિલોમીટર દૂર એનઆરઈ કોક કંપની પાછળ નર્મદા કેનાલમાંથી 20 કલાક બાદ મળી આવ્યો હતો.

 
મોત   ,

અટલ સમાચાર, ડેસ્ક

કચ્છમાં એક ક્ષત્રિય દીકરાએ મુસ્લિમ યુવાન માટે પોતાનો જીવ આપી દીધાની ઘટના બની છે. સંકટના સમયમાં મદદ માગનારને નિરાશ ન કરવા એ ક્ષત્રિય ધર્મની વ્યાખ્યાને અનુસરીને 24 વર્ષીય જિતેન્દ્રસિંહ જાડેજાએ પોતાના પ્રાણની આહુતિ આપી હતી. બે દિવસ પહેલાં ભચાઉ નજીક નર્મદા કેનાલમાં અકરમ અબડા નામનો મુસ્લિમ યુવાન ડૂબી રહ્યો હતો, બરોબર આ સમયે જ ત્યાંથી પસાર થઈ રહેલા જિતેન્દ્રસિંહ જાડેજાએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર કૂદકો મારી દીધો હતો. જોકે આ ઘટનામાં બંનેનાં કરુણ મોત થયાં હતાં. મૃતક ક્ષત્રિય યુવાનના પિતરાઈ અને ગામના સરપંચ સાથે વાત કરી આખી ઘટના જાણી હતી.

અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
ભચાઉ SRP કેમ્પ નજીક આવેલી નર્મદા કેનાલમાં મુસ્લિમ યુવાન અક્રમ યુસુફભાઈ અબડા માતાની નજર સામે પાણીમાં ડૂબી રહ્યો હતો, જેને બચાવવા માટે ચોપડવા ગામના 24 વર્ષીય ક્ષત્રિય યુવાન જિતેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજાએ કેનાલમાં કૂદકો માર્યો હતો, જેમાં બંનેના જીવ ગયા હતા. આ ઘટના બાદ મુસ્લિમ યુવાન અકરમનો મૃતદેહ મળ્યો હતો. જ્યારે જિતેન્દ્રસિંહ જાડેજાનો મૃતદેહ જે જગ્યાએ બનાવ બન્યો હતો એનાથી 10 કિલોમીટર દૂર એનઆરઈ કોક કંપની પાછળ નર્મદા કેનાલમાંથી 20 કલાક બાદ મળી આવ્યો હતો.


મળતી માહિતી મુજબ ધોરણ 12 સુધી ભણેલા જિતેન્દ્રસિંહની ઉંમર 24 વર્ષની હતી. તે ગાંધીધામમાં તેમના મામાને ત્યાં નોકરી કરતો હતો. રવિવારે તેને રજા હતી. તે કેનાલના રસ્તે ભચાઉ વાળ કપાવવા જતો હતો. ત્યાં રસ્તામાં તેણે જોયું કે એક વ્યક્તિ કેનાલમાં ડૂબતી હતી અને તેની માતા બચાવો બચાવોની બૂમો પડતી હતી. એ જોઈને જિતેન્દ્રસિંહે બાઇક ઊભી રાખી. બાઈકમાં સાથે તેનો મિત્ર કરમશી રબારી પણ હતો. બંનેએ બચાવવાનું નક્કી કર્યું, એટલે કરમશી દોરડું લેવા ગયો. દરમિયાન પેલો યુવાન બૂમો પડતો હતો. જિતેન્દ્રસિંહ તરવૈયો હતો, એટલે તેને એમ થયું કે હું બચાવી લઉં, પરંતુ કેનાલમાં પાણીનું પ્રેશર પણ ખૂબ હતું. જિતેન્દ્રસિંહ દોરડું આવે એ પહેલાં જ પાણીમાં કૂદીને અક્રમને બચાવવા ગયો, જેમાં તેને સફળતા પણ મળી હતી. જોકે ડઘાઈ ગયેલા અકરમે જિતેન્દ્રસિંહનો હાથ પકડી લેતાં બંને ડૂબી ગયા હતા, જેમાં જિતેન્દ્રસિંહનો મૃતદેહ 24 કલાક બાદ 10 કિમી આગળથી મળી આવ્યો હતો.

બીજી તરફ, મુસ્લિમ અગ્રણીઓએ જિતેન્દ્રસિંહ જાડેજાના ઘરે પહોંચી પરિવારને દિલાસો આપ્યો હતો. દિલ્હીના માજી સાંસદ મૌલાના ઉબેદુલાખાન આઝમી, હાજી જુમાભાઈ રાયમા સહિતના મુસ્લિમ અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે જિતેન્દ્રસિંહ જાડેજાએ મુસ્લિમ યુવાનને બચાવવા શહીદી વહોરી એક ક્ષત્રિય ધર્મને છાજે એવું કાર્ય કર્યું છે. આ વાત મુસ્લિમ સમાજ ક્યારેય ભૂલશે નહીં.