બ્રેકિંગ@મહેસાણા: છેલ્લી ઘડીએ વિજાપુર APMCની ચૂંટણી મોકૂફ, કૃષિ-સહકાર વિભાગ દ્વારા મોટો નિર્ણય

 
Vijapur

અટલ સમાચાર, મહેસાણા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં 17 નવેમ્બરે યોજાનારી વિજાપુર APMCની ચૂંટણી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. રાજ્યના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.આપને જણાવી દઈએ કે, વિજાપુર APMCની ચૂંટણી 17 નવેમ્બરના રોજ યોજાવાની હતી. 

મહેસાણા જિલ્લાના વિજાપુર બજાર સમિતિની ચૂંટણીને લઇ 3 નવેમ્બરના રોજ APMCની ખેડૂત વેપારી અને ખરીદ વેચાણ વિભાગની 16 બેઠકો માટે 112 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જોકે, 3 નવેમ્બરના રોજ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવતા  રાજ્યના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા  વિજાપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે.

મહત્વનું છે કે, વિજાપુર એપીએમસીની ચૂંટણી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ યોજવામાં આવશે. આ મામલે એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આગામી 1 અને 5 ડિસેમ્બરે યોજાનાર છે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. આ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરીની 8 ડિસેમ્બરે થશે. ગુજરાતમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન થશે. હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતનું પણ પરિણામ 8મી ડિસેમ્બરે જાહેર થશે.