ગંભીર@મહેસાણા: બનાવટી સોનાનાં દોરા ઉપર લોન લીધી, ભાંડો ફૂટતાં બ્રાન્ચ મેનેજર સહિત 4 વિરુદ્ધ ફરિયાદ

Gold

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

મહેસાણા નજીકની એક ખાનગી બેંકની શાખામાં કેટલાક દિવસ અગાઉ સોનાનાં દોરા હોવાનું જણાવી લોન ઉપાડવામાં આવી હતી. સોનાનાં 3 દોરા જમા કરી/કરાવી ખાનગી બેંકમાંથી લોન પાસ કરવા/કરાવવાનું આખું ષડયંત્ર સામે આવ્યું છે. બનાવટી સોનાનાં દોરા ઉપર લાખો રૂપિયાની લોન ઉપાડી કેટલોક સમય વીત્યા બાદ એક ફોનથી બધો ખેલ બહાર આવ્યો છે. જાગૃત વ્યક્તિએ બેંકની મહેસાણા ખાતેની ઓફિસના કર્મચારીને જાણ કરતાં સોનાનાં દોરા ચકાસતા ખોટાં માલૂમ પડ્યા હતા. આ પછી ખોટું સોનું જમા કરનાર/કરાવનારને જાણ કરી વસૂલાત કરવાનો પ્રયાસ થયો હતો. જોકે સફળતાં નહિ મળતાં બેંકની મહેસાણા ખાતેની બ્રાન્ચના મેનેજરે લાંઘણજ પોલીસ સ્ટેશને ધોરણસરની ફરિયાદ નોંધાવી છે.

Mehsana

મહેસાણા જિલ્લામાં સોના ઉપર લોનનું ચલણ જબરજસ્ત હદે વધી રહ્યું છે. અનેક નોન બેકિંગ ફાઇનાન્સ કંપનીઓ મહેસાણા જિલ્લામાં બ્રાન્ચ ખોલી સોના ઉપર લોન આપવા લાલજાજમ પાથરી છે. આવી જ એક એનબીએફસી છે આઇઆઇએફએલ, કે જેની આંબલિયાસણ ખાતેની બ્રાન્ચમાં બનાવટી સોનું પધરાવી લોન ઉપાડી લેવામાં આવી હતી. હવે તમે સમજો કે, ગોલ્ડ લોન આપતી બેંકો/સંસ્થાઓ ગ્રાહકના સોનાની તપાસ કરીને જ લોન આપવી કે ના આપવી અથવા આપવી તો કેટલી તે બધું નક્કી કરે છે. જોકે IIFL ની આંબલિયાસણ ખાતેની બ્રાન્ચમાં કેટલાક દિવસો પહેલાં એક ગ્રાહક સોના જેવી ધાતુના 3 દોરા આપવા આવ્યો ત્યારે બ્રાન્ચ મેનેજરે ઈરાદાપૂર્વક તપાસ કરી નહોતી. બ્રાન્ચ મેનેજર શશાંગ હસમુખભાઈ બારોટે સોના જેવી ધાતુના 3 દોરા તપાસ કર્યા નહિ, આ બનાવટી સોના IIFL બેંકમાં પધરાવી લોન ઉપાડી લેવાની ગોઠવણના બીજા 3 ઈસમો પણ હતા. બનાવટી સોનાનાં દોરા ઉપર રૂપિયા 2,48,200 ઉપાડી લીધા બાદ મહેસાણા ખાતેની બ્રાન્ચના ટેરેટરી મેનેજરને જાણ થઈ હતી.

Mehsana

સૂત્રોએ જણાવ્યું હતું કે, મહેસાણા શહેરની હાઈવે પરની આઇઆઇએફએલ બ્રાન્ચમાં ટેરેટરી મેનેજર એવા યાસ્મીનબાનુ પઠાણે સમગ્ર મામલે તપાસ કરતાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. આંબલિયાસણ બ્રાન્ચ મેનેજર શશાંગ બારોટ, આશિષ સુનિલભાઈ મેકવાન, નિકુંજ વિનોદભાઇ શાહ અને જીગર દિનેશભાઇ રબારી સહિતના ચારેય બનાવટી સોના જમા કરી/કરાવી લોન ઉપાડી/ઉપડાવી માં સામેલ હોવાનું આવ્યું હતું. આથી યાસ્મીનબાનુ પઠાણે બ્રાન્ચ મેનેજર શશાંગ બારોટ સહિત ચારેય ઈસમો વિરૂદ્ધ લાંઘણજ પોલીસ સ્ટેશને આઇપીસી 409,418,420 અને 114 મુજબ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદને પગલે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ આઇઆઇએફએલ ની કેટલીક કામગીરી સામે પણ તપાસ બનવા યોગ્ય

આઇઆઇએફએલ વાળાએ બનાવટી સોના ઉપર ફરિયાદ કરી તે ખૂબ જ આવકારદાયક છે પરંતુ શું આઇઆઇએફએલ પણ દૂધે ધોયેલી છે ? આ સવાલ એટલા માટે ઉભો થયો કે, મહેસાણા ખાતેની આઇઆઇએફએલ બ્રાન્ચમાં કેટલાક કેસમાં ગોલ્ડ લોન શંકાસ્પદ છે. બહારના કોઈ શહેરથી કોઈ ઈસમ સોનાનાં ઘરેણાં મોકલાવે, આ ઘરેણાં ઉપર લોન કોઈ અજાણ્યા ઈસમના નામે થાય, ગોલ્ડ લોનના રૂપિયા જેના નામે લોન થાય એના બદલે ઘરેણાં મોકલાવેલ ઈસમને મળે, આટલું જ નહિ ઘરેણાંના માલિક અને લોનમાં કાગળો આપનારને ન્હાવા નિચોવાનો સંબંધ ના હોય, અને આ બધું સેટિંગ્સ ખુદ આઇઆઇએફએલ બ્રાન્ચનો કર્મચારી ગોઠવી આપે. આ બાબતના અનેક કિસ્સા બની ચૂક્યા છે અને તેના પુરાવા પણ ટૂંક સમયમાં બહાર આવી શકે તેવી શક્યતા છે.