મર્ડર@રાજકોટ: પ્રેમિકા સીડીના પગથિયાંથી લપસી હોવાની સ્ટોરી વચ્ચે મોટો ઘટસ્ફોટ, પ્રેમીની ધરપકડ

 
Rajkot

અટલ સમાચાર, ડેસ્ક

રાજકોટના ગોંડલ ખાતે પ્રેમીએ પરિણીત પ્રેમિકાની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ સમગ્ર મામલે ગોંડલ પોલીસ દ્વારા ભાવેશ બાબુભાઈ જોગરાદીયા નામના પ્રેમીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પકડથી બચવા માટે પ્રેમી ભાવેશે પ્રેમિકા સીડીના પગથિયેથી લપસી પડી હોવાની સ્ટોરી ઘડી કાઢી હતી, પરંતુ પીએમ રિપોર્ટમાં તેની હત્યા થઈ હોવાનું ખુલતા પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરી છે.

ગોંડલની હર ભોલે સોસાયટીમાં વસવાટ કરતા અને મજૂરી કામ કરી પોતાનું આર્થિક ગુજરાન ચલાવનારા ભાવેશ જોગરાદીયા છેલ્લા આઠ માસથી પરિણીત પ્રેમિકા સોનલબેન પલાળીયા સાથે ઘર માંડીને રહેતો હતો. રસોઈ બનાવવા બાબતે બોલાચાલી થતા ભાવેશે તેના માથાના ભાગે લાકડાના ધોકા ફટકારી ગંભીર ઈજા પહોંચાડી હતી. ત્યાર બાદ પોતે જ ઈજાગ્રસ્ત પ્રેમિકાને સારવાર અર્થે પ્રથમ ગોંડલ અને ત્યાર બાદ રાજકોટ હોસ્પિટલે લઇ આવ્યો હતો. 

સમગ્ર મામલે પરણીતાનું મૃત્યુ નિપજ્તાં પોલીસે પીએમ કરાવ્યું હતું. જે પીએમ રિપોર્ટમાં પરિણીતાની હત્યા થઈ હોવાનો ભાંડો ફૂટતા ગોંડલ સીટી પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ ઇન્ડિયન પીનલ કોડની ધારા 302 હેઠળ તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

નોંધનીય છે કે, અગાઉ ભાવેશે પોલીસને જણાવ્યું હતું કે, તેની પરિણીત પ્રેમિકા સીડીના પગથિયાથી લપસી પડી હોવાના કારણે તેને ઈજા પહોંચી હતી. આ સમગ્ર મામલે મૃતકની પુત્રી પાયલબેન મકવાણા ફરિયાદી બની છે. પોલીસની પૂછપરછમાં તેણે જણાવ્યું છે કે, તેના પિતાને પેરેલિસિસનો એટેક આવ્યો બાદ તેઓ પથારીવશ થઈ ગયા છે. પિતા પથારીવસ થતા તેણીની માતાએ છેલ્લા આઠ માસથી તેના પ્રેમી ભાવેશ સાથે ઘર માંડ્યું હતું. ગત 24 તારીખે ભાવેશે ફોન કરીને જણાવ્યું હતું કે, તારી માતા સીડીના પગથિયાથી પડી જવાથી ઘાયલ થઈ હતી અને સારવારમાં તેણે દમ તોડી દીધો છે.