બ્રેકિંગ@ગુજરાત: ચૂંટણી પહેલા તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડનું કોંગ્રેસમાંથી રાજીનામું, કમલમમાં કર્યા કેસરિયા

 
Bhaga Barad

અટલ સમાચાર, ડેસ્ક 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ કોંગ્રસમાં મોટી ઊથલપાથલ સર્જાઇ છે અને કોંગ્રેસના કદાવર નેતા ગણાતા ધારાસભ્ય ભગવાન બારડે આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ચૂંટણી ટાણે ભગવાન બારડના કેસરિયા કરી ભાજપમાં જોડાતા જ કહ્યું 'હું કોઈ પણ મહત્વકાંક્ષા સાથે નથી જોડાયો, જૂનાગઢની 9 બેઠકો અપાવવા મે નેમ લીધી છે' 

વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ કોંગ્રેસનો હાથ છોડ્યો છે. તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસના ધારાસભ્ય મોહન રાઠવા બાદ તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડે રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના આ કદાવર નેતા છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. મહત્વનું છે કે, ગઈકાલે બાદલપરામાં ભગવાન બારડે સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી. ભગવાન બારડે યોજેલી બેઠકમાં ભાજપમાં જોડાવા અંગે ચર્ચા થઈ હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગતરોજ કોંગ્રેસના ધારાસભ્ય મોહન રાઠવાએ રાજીનામું આપ્યું હતું. તેઓએ ગઈકાલે સાંજે જ કમલમ ખાતે ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો. મોહન રાઠવા સૌથી વધુ વખત ધારાસભ્ય બનવાનો રેકોર્ડ ધરાવે છે. ગતરોજ કમલમ ખાતે તેઓએ પોતાના સમર્થકો સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. 

કોણ છે ભગવાન બારડ ?

- ભગવાન બારડ તલાલાથી ચૂંટાઈને આવ્યા હતા. 

- બારડ સૌરાષ્ટ્ર આહીર સમાજના અગ્રણી એવા પૂર્વ સાંસદ સ્વ.જશુભાઈ બારડના ભાઈ થાય છે. 

- તેમનો પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે. 

- સ્વ.જશુભાઈ અને ભગવાનભાઈ બારડના પિતાજી ધાનાભાઈ માંડાભાઈ બારડ કોંગ્રેસી આગેવાન હતા. 

- છેલ્લા ઘણા સમયથી વાતો ચાલી રહી છે કે કોંગ્રેસ છોડી રહ્યા છે ત્યારે આજે તેઓએ રાજીનામું ધરી દીધું છે