કવાયત@ગુજરાત: મોરબી પુલ દુર્ઘટના મામલે મોટી કાર્યવાહી, સરકારે લીધો સૌથી મોટો નિર્ણય

 
Morbi

અટલ સમાચાર, ડેસ્ક 

ગુજરાત હાઈકોર્ટની ટિપ્પણ બાદ મોરબી પુલ દુર્ઘટનામાં મોતને ભેટેલા મૃતકોના પરિજનોને 10 રૂપિયાની સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત જ્યારથી આ દુર્ઘટના ઘટી છે ત્યારથી મોરબી નગર પાલિકાના કામકાજને લઈને પણ સવાલો ઉઠી રહ્યા હતા. હવે મોરબી નગર પાલિકાને વિસર્જિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મામલે સરકારની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. ફરજમાં બેદરકારી અને નિષ્કાળજી માટે મોરબી નગરપાલિકા વિસર્જિત કરાશે. આ મામલે એડવોકેટ જનરલ તરફથી કોર્ટને ખાતરી આપવામાં આવી છે. દુર્ઘટનાની તપાસનો રિપોર્ટ હાઇકોર્ટમાં સીલ કવરમાં રજૂ કરવામાં આવ્યો છે.

મોરબી ઝુલતો પુલ તૂટવાની દુર્ઘટના બાબતે હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. હાઇકોર્ટમાં રાજ્ય સરકારે કરેલા સોગંદનામાં મુજબ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકના પરિવારજનોને વધારાનું વળતર ચૂકવાશે. કુલ દસ લાખ રૂપિયાનું પ્રતિ મૃતક વળતર ચુકવાશે. ઝુલતો પુલ તૂટવાની ઘટનામાં ઘાયલ થયેલા લોકોને રૂપિયા 1,00,000 વળતર ચૂકવાશે.

આ ઉપરાંત રાજ્યના તમામ પુલોની સ્થિતિનો સર્વે કરીને કોર્ટમાં રજૂ કરવાનો રિપોર્ટ રાજ્ય સરકારે રજૂ ન કરતા કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. ફરી કોઈ દુર્ઘટના ન બને તેના માટે તકેદારી જરૂરી હોવાનું હાઇકોર્ટનું અવલોકન. મોરબી નગરપાલિકા તેમજ રાજ્ય સરકારના સોગંદનામાંમાં રહેલા વિરોધાભાસને લઈને પણ હાઇકોર્ટે ખુલાસો માગ્યો છે.

 

આ પહેલા મુખ્યમંત્રી રાહત કોષમાંથી ચાર લાખ રૂપિયા અને પ્રધાનમંત્રી રિલીફ ફંડ માંથી 2 લાખ રૂપિયા દરેકના પરિવારજનોને ચૂકવાયા હતા. આ ઉપરાંતના વધુ ચાર લાખ રૂપિયા સરકાર ચૂકવશે. કુલ દસ લાખની રકમ મૃતકના પરિજનોને આપવામાં આવશે.