ચૂંટણી@ગુજરાત: માલધારી સમાજ BJPથી નારાજ, 40 થી વધુ બેઠકો પર પડી શકે છે સીધી અસર, જાણો કેમ ?

 
BJP Logo

અટલ સમાચાર, ડેસ્ક 

ગુજરાતની સત્તાધારી ભારતીય જનતા પાર્ટીની સરકાર તેમના સમુદાયને અન્યાય કરી રહી હોવાનો આક્ષેપ કરીને પશુપાલક માલધારી સમાજના સભ્યોએ ભાજપનો વિરોધ કરવાની જાહેરાત કરી છે. તાજેતરમાં માલધારી સમાજની મહાપંચાયતમાં સૌએ એક અવાજે લોકશાહીની શક્તિ બતાવવાનો સંકલ્પ લઈને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા હાકલ કરી હતી.

માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ વર્ષથી ભાજપ સરકારથી સમાજ ભારે નારાજ છે. આ નિવેદનમાં તેમણે કોંગ્રેસના વખાણ કર્યા હતા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનો પણ આભાર માન્યો હતો, જેમણે ભૂતકાળમાં સમાજ માટે સમર્થન દર્શાવ્યું હતું. માલધારી સમાજે ફરી એકવાર તેમની પડતર માંગણીઓ તરફ ધ્યાન દોરીને ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા અપીલ કરી હતી અને મતદાનનો હથિયાર તરીકે ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો હતો. સમાજના સભ્યોએ ભાજપને પાઠ ભણાવવાની વાત કરી હતી.

માલધારી સમાજની માંગણીઓ શું છે ? 

નાગજીભાઈ દેસાઈના જણાવ્યા મુજબ માલધારી સમાજની મુખ્ય માંગણીઓમાં માલધારી રહેણાંક વિસ્તારની સ્થાપના, સમાજના સભ્યો સામેના ખોટા પોલીસ કેસો પાછા ખેંચવા, જંગલ વિસ્તારમાં રહેતા સમુદાયના લોકોને ખેડૂત બનવાનો અધિકાર અને અનુસૂચિત જાતિનો સમાવેશ થાય છે. ગીર બરડા અને આલેચ ના વન વિસ્તારમાં રહેતા સમુદાયના લોકોને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવા બાબતે અનેક માંગણીઓ પડતર છે.

 

મહત્વનું છે કે, ગુજરાતના શહેરી વિસ્તારો માટે રખડતા ઢોર નિયંત્રણ બિલ પસાર થયું ત્યારે માલધારી સમુદાયે સૌપ્રથમ ભાજપનો વિરોધ કર્યો હતો. આ વર્ષે 18 સપ્ટેમ્બરે માલધારી સમાજ દ્વારા આ બિલને રદ્દ કરવાની માંગણી માટે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર નજીક શેરથા ગામમાં આયોજિત આ મહાપંચાયતમાં પચાસ હજાર સભ્યોએ ભાગ લીધો હતો. તેના એક દિવસ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ બિલ રાજ્ય સરકારને પુનર્વિચાર માટે મોકલ્યું હતું. તેને 21 સપ્ટેમ્બરે વિધાનસભામાં સર્વાનુમતે પાછું ખેંચી લેવામાં આવ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે, પશુપાલક માલધારી સમુદાય ગુજરાતમાં એક મોટી વોટ બેંક છે, તેમને હાંસલ કરવા માટે સરકારે સપ્ટેમ્બરમાં રખડતા ઢોર નિયંત્રણ બિલને પાછું ખેંચી લીધું હતું. એવું માનવામાં આવે છે કે, ગુજરાતમાં માલધારી સમાજ 40 થી 45 બેઠકો ધરાવે છે. સમુદાયના લોકો પણ આ બેઠકો પર કિંગમેકર હોવાનો દાવો કરે છે. સપ્ટેમ્બર મહિનામાં યોજાયેલી મહાપંચાયતમાં પણ માલધારી સમાજના લોકોએ ભાજપને મત નહીં આપવાનો સંકલ્પ લીધો હતો.