દુર્ઘટના@નવસારી: બસ અને કાર વચ્ચે ગમખ્વાર ટક્કર, અનેકના મોત, યુધ્ધના ધોરણે બચાવની કામગીરી

 
Navsari

અટલ સમાચાર, ડેસ્ક

નવસારી જિલ્લામાં 2022ના છેલ્લા દિવસે એટલે કે આજે શનિવારે વહેલી સવારે એક સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ (SUV) એક લક્ઝરી બસ સાથે ધડાકાભેર અથડાતાં નવ લોકોના મોત થયા હતા અને લગભગ 15 લોકો ઘાયલ થયા હતા. જો કે સવાર થતા થતા ઘાયલોનો આંક 30 સુધી પહોંચ્યો છે. તેમાંથી ઘણાની હાલત નાજુક છે. નેશનલ હાઈવે નંબર 48 પર વેસ્મા ગામ પાસે આ ઘટના બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે બસ ડ્રાઈવરને ચાલતા વાહનમાં હાર્ટ એટેક આવ્યો હતો. જેના કારણે તેણે વાહન પરનો કાબુ ગુમાવી દીધો હતો અને કાર અથડાઈ હતી.

Navsari

ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. અમિત શાહે કહ્યું, ગુજરાતના નવસારીમાં થયેલ માર્ગ અકસ્માત હૃદયને હચમચાવી નાખે તેવો છે. આ ઘટનામાં જેમણે પોતાના પરિવારોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના છે. સ્થાનિક વહીવટીતંત્ર ઘાયલોને તાત્કાલિક સારવાર આપી રહ્યું છે, હું તેમના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.

શું કહયું પોલીસે ? 

નવસારીના પોલીસ અધિક્ષક (SP) હૃષીકેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે અકસ્માત વેસ્મા ગામ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર થયો હતો જ્યારે બસ વલસાડ તરફ જઈ રહી હતી, જ્યારે SUV વિરુદ્ધ દિશામાંથી આવી રહી હતી. નવસારીના ડીએસપી વીએન પટેલે જણાવ્યું હતું કે- નવસારીમાં અમદાવાદ-મુંબઈ હાઈવે પર બસ-કારની ટક્કરમાં 9 લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે. ગંભીર રીતે ઘવાયેલા એકને સુરત રીફર કરવામાં આવ્યો છે.