બ્રેકિંગ@ગુજરાત: ખોડલધામના નરેશ પટેલ અને PM મોદી વચ્ચે 45 મિનિટ સુધી બેઠક, રાજકારણમાં ગરમાવો

 
Naresh Patel

અટલ સમાચાર, ડેસ્ક 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થવા જઇ રહી છે. ત્યારે એ પહેલા ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સહિત ખોડલધામ ટ્રસ્ટના અન્ય 2 સભ્યોએ પણ PM મોદી સાથે મુલાકાત કરી છે. જોકે, આ મુલાકાત ખોડલધામના એક કાર્યક્રમના આમંત્રણ અંગે કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. નરેશ પટેલ, રમેશ ટીલાળા અને દિનેશ કુંભાણી PM મોદીને મળ્યા હતા. તેઓએ 45 મિનિટ સુધી PM મોદી સાથે મુલાકાત કરી હતી. મહત્વનું છે કે, સૌરાષ્ટ્રની 22 બેઠકો પર લેઉવા પાટીદારોનું વધારે પ્રભુત્વ રહેલું છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવે છે ત્યારે પાટીદાર અને કોળી મતદારોની ચર્ચા થવા લાગે. જ્યારથી ગુજરાતની કમાન વિજય રૂપાણીના હાથમાંથી લઈને ભૂપેન્દ્ર પટેલના હાથમાં સોંપવામાં આવી છે ત્યારેથી ભાજપ દ્વારા ગુજરાતના પાટીદારોને રીઝવવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે. ગઈ વખતની વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 100ના આંકડાને પણ પાર કરી શકી નહોતી, તેનું મુખ્ય કારણ પાટીદાર સમાજની નારાજગી હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. આવી સ્થિતિમાં જો આ વખતે સારી જીત મેળવવી હોય તો પાટીદારોને ફરી ભાજપ તરફ કરવા જરૂરી છે.

APMC Unjha

ગુજરાતમાં કડવા અને લેઉવા એમ બે પાટીદાર સમુદાયની 15 ટકા વસ્તી રહેલી છે. પરંતુ એ જ 15 ટકા વસ્તી ધરાવતો સમાજ ગત ચૂંટણીમાં (2017) માં ભાજપથી રિસાઇ જતા ભાજપે સૌરાષ્ટ્રમાં માઠા પરિણામ ભોગવવા પડ્યા હતા અને આખાય દેશમાં ગુજરાતમાં ડંકો વગાડનાર ભાજપ 100ના આંકડાને પણ પાર ન હોતું કરી શક્યું. 2012માં 115 સીટ જીતનારી ભાજપ 2017માં 99એ અટકી ગઇ હતી. બીજું કે પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદારોની નારાજગીના કારણે આનંદીબેન પટેલે મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું હતું.

આ સિવાય 2017માં આંદોલનના કારણે પાટીદાર સમાજે કોંગ્રેસને વોટ આપીને કોંગ્રેસને અનેક સીટો પર જીતાડી હતી. 2021ની સ્થાનિક ચૂંટણીઓમાં પણ ગુજરાતમાં સૌરાષ્ટ્ર પાટીદારોનો બીજો ગઢ ગણાતા સુરતમાં પાટીદારોએ આમ આદમી પાર્ટીને વોટ આપીને જીતાડી હતી. જેથી કોંગ્રેસ-ભાજપ જો કદાચ પાવર ન બતાવે તો ક્યાંક AAP પણ સૌરાષ્ટ્રમાં પાવરફૂલ ન બની જાય તેની ભાજપ હવે આગોતરી તૈયારી કરી રહ્યું છે. આથી ગુજરાતમાં એમ કહી શકાય કે પાટીદારોના પાવરની જો વાત કરીએ તો પાટીદારોની વસ્તી ભલે 15 ટકા હોય પણ ચૂંટણી ટાણે કોઇ પણ પક્ષ તેમની અવગણના કરી શકે નહીં.

દિવાળી બાદ ગમે ત્યારે ચૂંટણીની તારીખ થઈ શકે છે જાહેર

બીજી બાજુ દિવાળી બાદ ગમે ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, નવેમ્બરના અંત કે ડિસેમ્બરની શરુઆતમાં મતદાન થશે જ્યારે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં પરિણામ આવી શકે છે. મહત્વનું છે કે, ગત ટર્મમાં 25 ઓક્ટોબરે ચૂંટણીની જાહેરાત થઈ ગઈ હતી.