વાતાવરણ@ગુજરાત: ત્રીજા નોરતે પણ રાજ્યમાં મેઘાનો 'રાસ', આ જિલ્લાઓમાં પડ્યો વરસાદ, ખેડૂતો-ખેલૈયાઓમાં ચિંતા

 
Varsad

અટલ સમાચાર, ડેસ્ક

હવામાન વિભાગની આગાહી મુજબ આજે ત્રીજા નોરતે પણ વરસાદનું આગમન થયું છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી દિવસોમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેને લઇને આજે રાજ્યના અમુક જિલ્લાઑમાં વરસાદ પડ્યો હતો. બીજી વરસાદને લઇને ખેતી પાકમાં નુકસાનીની ભીતિ સેવાતી હોવાથી ખેડૂતોના જીવ ઉચ્ચક થયા છે. તો નવરાત્રી મહોત્સવના આયોજકોમાં પણ વરસાદે ચિંતા વધારી છે.

આગાહી મુજબ આજે અમરેલીના રાજુલા પંથકમાં વરસાદ ખાબકયો હતો. વાતાવરણમાં પલટાની સાથે રાજુલા શહેર અને કોસ્ટલ બેલ્ટના ગામડાઓમાં વરસાદનું આગમન થયું હતું. તથા રાજુલાના છતડીયા કડીયાળી, હિંડોરાણા વડ સહિતના ગામડાઓમાં વરસાદ ત્રાટક્યો હતો. વરસાદને લીધે ખેતરોમાં પાણી ભરાયા હતા. આથી ચોમાસું પાકને નુકસાન થાય તેવી સ્થિતિ સર્જાઇ છે. જેને લઇને ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.

આ સાથે સુરતના વાતાવરણમાં પણ બદલાવ સાથે વરસાદનું આગમન થયું હતું. વીજળીના કડાકા ભડાકા સાથે કામરેજ અને આસપાસના વિસ્તારમાં વરસાદે તોફાની બેટિંગ કરી હતી. આથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. એક બાજુ સૂરતમાં ઠેકઠેકાણે નવરાત્રીના આયોજનો કરાયા છે ત્યારે વરસાદ વેરી બને તેવા ડરને લઇને નવરાત્રીનું આયોજન કરતા લોકો માથે પણ ચિંતાના વાદળો ઘેરાયા છે.તેમજ ભરૂચ શહેરના કોલેજ રોડ, શક્તિનાથ, સેવાશ્રમ રોડ, પાંચબત્તી સહિતના વિસ્તારોમાં ત્રીજા નોરતે વરસાદ વરસતા ખેલૈયાઓ અને ગરબા આયોજકો મૂંઝવણમાં મુકાયા છે. વડોદરાના પૂર્વ વિસ્તારમાં પણ વરસાદી ઝાપટું ખાબક્યું હતું. વાઘોડિયા રોડ અને સોમા તળાવ સહીતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. 

આ તરફ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી દિવસોમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. ખાસ કરીને અમદાવાદમાં આગામી 2 દિવસ સામાન્ય વરસાદના વરતારા છે. શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ આ સાથે ખેડા અને બનાસકાંઠામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. સોરાષ્ટ્રમાં પણ જૂનાગઢ અને અમરેલીમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. ઉપરાંત આગાહી મુજબ નવરાત્રિમાં નવેનવ દિવસ સામાન્ય વરસાદ વરસશે