આગાહી@ગુજરાત: વિદાય લેતા પહેલા ઉત્તર-દક્ષિણના આ વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા

 
Rain 01

અટલ સમાચાર, ડેસ્ક 

રાજ્યમાં હવે ચોમાસાનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. બે દિવસ બાદ કચ્છમાંથી ચોમાસું વિદાય લેવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ખેલૈયાઓ માટે ફરી એક વાર માઠા સમાચાર મળી રહ્યાં છે. પહેલાંની હવામાન વિભાગની આગાહી મુજબ નવરાત્રિમાં વરસાદનું જોખમ ઘટ્યું હતું. જેના કારણે ખેલૈયા ખુશખુશાલ હતા પરંતુ હવે હવામાન વિભાગ દ્વારા આગાહી બદલાઈ છે.

અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો

હાલની આગાહી મુજબ નવરાત્રિમાં સામાન્ય વરસાદ તો રહેશે જ પણ જતાં જતાં વરસાદ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસી જશે. નવરાત્રિના દિવસો દરમ્યાન જ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ બનશે. જેમાં આવતી કાલે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

જોકે રાહતના સમાચાર એ છે કે રાજ્યમાં ભારે વરસાદની શકયતા નહિવત જોવા મળી રહી છે. 25 અને 26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે. પરંતુ બીજી તરફ કચ્છમાં ચોમાસું વિદાય લે તેવી શરૂઆત થઈ ચૂકી છે.  કચ્છમાં હવામાન ખાતાની આગાહી પ્રમાણે મંગળવારથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. ભારતીય હવામાન વિભાગે 2022ના નૈઋત્ય ચોમાસાની દેશમાંથી સૌપ્રથમ વિદાય પશ્ચિમી રાજસ્થાન અને કચ્છના વાયવ્ય ખૂણેથી થઇ ગઇ હોવાની જાણકારી આપી હતી. મોન્સુન 2022ની વિદાયની ટાઇમ લાઇન કચ્છના લખપત તાલુકા સુધી બતાવાઇ છે. કચ્છમાં ચોમાસાના 86 દિવસમાં સરેરાશ 456 મિમી વરસાદની સામે અધધ 845 મિમી વરસાદ નોંધાયો છે.