ચૂંટણી@ગુજરાત: મહેસાણા જિલ્લો ગુજરાતનું ભવિષ્ય નક્કી કરે છે: PM નરેન્દ્ર મોદી

 
Narendra Modi

અટલ સમાચાર, મહેસાણા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગુજરાત સર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મેદાનમાં ઉતર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસના અંતરાળ બાદ ફરી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. પીએમ મોદીએ આજે પહેલા દિવસે મહેસાણાના રાધનપુર ચાર રસ્તા નજીક એરોડ્રામ ખાતે જાહેર સભાને સંબોધી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં કહ્યું કે, મહેસાણાની આ માટીએ મને મોટો કર્યો છે, મારૂ ઘડતર કર્યું છે. મહેસાણા જિલ્લો ગુજરાતનું ભવિષ્ય નક્કી કરે છે. મહેસાણા જિલ્લો ગુજરાતનું ભવિષ્ય નક્કી કરે છે. આ ચૂંટણી હું નથી લડતો, ગુજરાતની ચૂંટણી જનતા લડે છે. ગુજરાતના યુવાનોએ વિજયનો ધ્વજ પોતાના હાથમાં લીધો છે

કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા તેઓએ કહ્યું કે, કોંગ્રેસનું મોડેલ એટલે ભ્રષ્ટાચાર, પરિવારવાદ, જાતિવાદ. કોંગ્રેસ વોટબેંક પોલિટીક્સ કરવાનું જાણે છે. કોંગ્રેસના મોડેલે ગુજરાતને બરબાદ કર્યુ છે. કોંગ્રેસની નીતિ ગરીબોને પછાત જ રાખવાની છે. કોંગ્રેસે સત્તામાં ટકી રહેવા ભાગલા પાડ્યા છે. 20 વર્ષમાં ભાજપે જે કામ કર્યા છે તેનાથી વિરોધીઓ હેરાન છે.

પીએમ મોદીએ કહ્યું, અંધકાર યુગથી પ્રકાશ યુગમાં આપણે આવ્યા. સૂર્ય શક્તિથી 20 વર્ષ પહેલાં ક્યાંય વીજ નહોતી મળતી, આજે હરણફાળ સ્થિતમાં છીએ. 10 હજાર મેગા વોટ વીજ પવન ઊર્જાથી મળે છે. આજે પાણીથી વીજળી 800 મેગા વોટ પર પહોંચ્યા છીએ. સોલાર રૂફ ટોપમાં રાજ્ય આજે પ્રથમ ક્રમે છે. આજે તમે તમારા ઘરમાં વીજળી પેદા કરીને વેચી શકો છો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, મહેસાણા જિલ્લાનો બેચરાજીનો પટ્ટો ઉધોગનું હબ બન્યો છે. મહેસાણાથી ગાડીઓ જાપાન જાય છે. ઇલેક્ટ્રીક વાહનો આવશે એટલે દુનિયાનું બજાર કબ્જે કરીશું. તમે વિચાર કરો કે UNના સેક્રેટરીએ મને વિનંતી કરી હતી કે મારે મોઢેરા જોવું છે 

આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 1930માં અંગ્રેજોએ મહેસાણાથી આબુ રોડ બનાવ્યો, 1930થી 100 વર્ષ સુધી મહેસાણાથી આબુરોડ તારંગા અંબાજી રેલવે લાઈનના કોઈને કાગળીયા ફાઈલ જોવાની નવરાશ ન મળી આ તમારો મહેસાણા જિલ્લાનો દીકરો ત્યાં બેઠોને એટલે મેં બધી શોધખોળ ચાલુ કરી. આ તમારા દીકરાએ મહેસાણાથી આબુ એક નવી રેલવે લાઈનનું કામ ચાલુ કર્યું. જે અંબાજી અને તારંગાને જોડશે. નવા એક વિકાસનું એક ક્ષેત્ર વિકસી જવાનું છે. તમે કલ્પના પણ ન કરી હોય એટલી પ્રગતી થવાની છે.