બનાવ@સુરત: મેહુલ બોઘરા PM મોદીની રેલીને લઇ આવ્યા ચર્ચામાં, ફેસબુક લાઈવ કરી શું કહ્યું ?

અટલ સમાચાર, ડેસ્ક
સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા એડવોકેટ મેહુલ બોઘરા વધુ એક વખત ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેઓ પીએમ મોદીની રેલી માટે રોડ પર લગાવેલા બેરીકેટને લઇ ચર્ચામાં આવ્યા છે. ખરેખરમાં આજે સવારે એડવોકેટ મેહુલ બોઘરા પોતાની કારમાં સવાર થઇ સુરત ખાતે પુજન પ્લાઝામાં પોતાની ઓફિસ જઇ રહ્યા હતા. તે દરમિયાન તેમની ઓફિસની બિલ્ડિંગ બહાર વાંસથી રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો હતો. પીએમ નરેન્દ્ર મોદીની આજે સુરત ખાતે રેલી હોવાથી રોડ પર બેરીકેટ લગાવી દેવાયા હતા. જેને જોઇ એડવોકેટ મેહુલ બોઘરાએ ફેસબુક લાઇવના માધ્યમથી જાહેર જનતાને પડતી અગવડો ઉજાગર કરી હતી.
જોકે પોતાના ફેસબુક પેજ પર લાઇવ દરમિયાન મેહુલ બોઘરાએ એ વાત પણ સ્પષ્ટ કરી હતી કે, તેઓ પીએમ નરેન્દ્ર મોદીનો વિરોધ નથી કરી રહ્યા પણ પાર્ટીના પ્રચાર દરમિયાન જાહેર જનતાને પડતી મુશ્કેલીઓ વિશે જણાવી રહ્યા છે અને તેઓ પાર્ટી પ્રચાર દરમિયાન તેઓને પડતી અગવડતા સહન નહીં કરે. ફેસબુક લાઇવના માધ્યમથી તેમણે એ પણ જણાવ્યું હતું કે તેઓ પોતાની ઓફિસની બહાર કાર લઇને ઉભા છે અને પોતાની કારને પાર્કિંગમાં લઇ જઇ શક્તા નથી તો તેઓને હવે શું કરવું. વધુમાં તેમણે કહ્યું કે, સુરત કમિશનરનું જાહેરનામું છે કે, રસ્તા પર ગાડી પાર્ક કરવી નહીં અને મારી ઓફિસની બિલ્ડિંગની બહારનો રસ્તો બેરીકેટના કારણે બંધ છે તો તેઓ ગાડી ક્યાં પાર્ક કરે?