બ્રેકિંગ@ગુજરાત: હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી, જાણો ક્યારથી પડશે હાડ થીજવતી ઠંડી ?

 
Winter

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે, ત્યારે હવામાન વિભાગની નવી આગાહી પણ સામે આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવનો અહેસાસ થશે. આગામી 5 દિવસ સુધી તાપમાનમાં ખાસ ફેર નહીં પડે, જ્યારે વાતાવરણમાં ભેજ હોવાને કારણે ત્રણ દિવસ બાદ ઠંડીથી આંશિક રાહત મળશે. 29 ડિસેમ્બરે એકથી બે ડિગ્રી જેટલો તાપમાનમાં વધારો થવાની શક્યતા. પરંતુ ફરી એકવાર નવા વર્ષથી ઠંડીનું મોજું સમગ્ર રાજ્યમાં ફરી વળશે.

રાજ્યમાં છેલ્લા ચારેક દિવસથી પારો ગગડ્યો છે. રાજ્યના 10 શહેરોમાં તાપમાન 13 ડિગ્રીની નીચે નોંધાયું છે. જ્યારે ગત રાત્રે નલિયામાં 4.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અહીં સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. સાથે જ રાજ્યના મોટાભાગના શહેરોમાં પારો ગગડતાં કડકડતી ઠંડીનો અહેસાસ થયો હતો. બીજી બાજુ, કચ્છમાં આગામી બે દિવસ દરમિયાન કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં 12.6 ડિગ્રી સરેરાશ તાપમાન નોંધાયું હતું, જ્યારે ગાંધીનગરમાં 11.2, વડોદરામાં 11.4, સુરત 13.6, રાજકોટ 10.7, ડીસા 12.2, વલસાડ 16.5, ભાવનગર 14, દ્વારકા 15.2, સુરેન્દ્રનગર 12.5, મહુવા 11.7, પોરબંદર 10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સાથે જ નલિયામાં 4.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અહીં પારો 7 ડિગ્રીથી ઘટીને 4 ડિગ્રી થઇ જતાં હાડ થિજવતી ઠંડીનો અહેસાસ થયો હતો.

દેશના ઉત્તર ભારતના રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ શરુ થઈ ગયો છે. રવિવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ન્યૂનત્તમ તાપમાન 5.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ઘટના તાપમાન સાથે જ ઉત્તર ભારતમાં ઠંડી ઝડપથી વધતી જાય છે. તો વળી ભેજ અને ધુમ્મસ પણ વધતો જાય છે. પહાડી વિસ્તારોમાં તાપમાન સામાન્યથી 4.9 ડિગ્રી સેલ્સિયસ નીચે 3 ડિગ્રી સેલ્સિયસ નીચે ગયું છે, જેની અસર દિલ્હીમાં પણ જોવા મળી રહી છે.

પર્યટન સ્થળ માઉન્ટ આબુ ઠંડુગાર થઇ ગયું છે. ડિસેમ્બરના અંતમાં પારો ગગડીને માઇનસમાં પહોંચ્યો હતો. અહીં તાપમાન માઈનસ 2 ડિગ્રી નોંધાયું હતું. માઉન્ટ આબુના ઘાસના મેદાનોમાં, નકી તળાવના બોટ હાઉસમાં પાર્ક કરેલી બોટ પર બરફની ચાદર જામી ગઈ હતી. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં હવે ક્રિસમસના બીજા દિવસે ઠંડી જામવા લાગી છે. રવિવાર બાદ સોમવારે માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન માઈનસ 2 ડિગ્રી નોંધાયું હતું.