ચોમાસુઃ હવામાન વિભાગની આગાહી, 3 દિવસ આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડશે
varsad 1

અટલ સમાચાર, ડેસ્ક

એક અઠવાડિયાના વિરામ બાદ ફરી એકવાર વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ અંગે હવામાન વિભાગે પણ મહત્ત્વની આગાહી કરી છે. ખાસ કરીને આગામી 3 દિવસ સુધી ગુજરાતના કયા વિસ્તારોમાં મેઘરાજા તોફાન મચાવી શકે છે તે અંગે પણ મહત્ત્વની જાણકારી આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ ગુજરાતના 33 જિલ્લાઓ પૈકીના કેટલાંક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 3 દિવસ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં એકવાર ફરી હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દ. ગુજરાતમાં સુરત, નવસારી, તાપી અને ડાંગમાં સારો એવો વરસાદ પડવાની સંભાવના રહેલી છે. એ સિવાય છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્રમાં અમરેલી, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથમાં સારો એવો વરસાદ પડી શકે છે. એક અઠવાડિયાના વિરામ બાદ ગઇકાલે રાજ્યમાં ફરી મેઘરાજાએ એન્ટ્રી મારી હતી. ગઇકાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. ગઇકાલે ડોદરામાં એક સપ્તાહના વિરામ બાદ વરસાદ વરસ્યો હતો. શહેરના કારેલીબાગ, સમાં, નિઝામપુરા, સયાજીગંજ, રાવપુરા, અલકાપુરી વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો. અઠવાડિયાના વિરામ બાદ વરસાદનું આગમન થતાં શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી હતી.

બીજી તરફ જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો આજે અમરેલી, અને ગીર સોમનાથના કેટલા વિસ્તારમાં મેઘો મંડાયો હતો. રાજુલા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદે રમઝટ બોલાવી હતી. સાવરકુંડલાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં જોવા મળ્યા હતા. આંબરડી ગામ, મિતિયાળા,જાબાળ,ધજડી,કૃષ્ણગઢ ગામ તેમજ રાજુલાના છતડીયા,ભેરાઈ,વડ,ભચાદર સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો.ગણેશ મહોત્સવને આડે ગણતરીના દિવસો રહેતા આયોજકો ચિંતામાં મુકાયા છે.વેરાવળ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. કચ્છમાં ભુજ, માધાપર સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.