આનંદો@ગુજરાત: રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમ છલોછલ: મુખ્યમંત્રીએ નીરના વધામણાં કર્યા

અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યમાં ચાલુ વર્ષે સારો એવો વરસાદ આવ્યો હોય ગુજરાત માટે એક સારા સમાચાર છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ એકવાર ફરી સંપૂર્ણ ભરાઇ ગયો છે. જેનાથી ગુજરાતના ખેડૂતોને ઘણો મોટો ફાયદો થશે. ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના 'સરદાર સરોવર ડેમ'ની જળસપાટી 138.68 મીટરે પહોંચતા CM ભૂપેન્દ્ર પટેલે આજે નર્મદાના નીરના વધામણાં કર્યા છે.
નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમ ના રીવરબેડ પાવરહાઉસમાંથી 43 હજાર 155 ક્યુસેક પાણી છોડાતા ડેમમાં હાલ 2 લાખ 11 હજાર 66 ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. ડેમના 23 દરવાજા મારફતે 1 લાખ 50 હજાર ક્યુસેક પાણીની જાવક થઇ રહી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળસપાટી પૂર્ણ કક્ષાએ એટલે કે 138.68 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચવાની ગૌરવરૂપ ઘટનામાં સહભાગી થઇને 'નમામી દેવી નર્મદે' ના મંત્રોચ્ચાર સાથે મા નર્મદાના નીરનાં વધામણા કર્યા હતા. pic.twitter.com/ryzfcpita6
— CMO Gujarat (@CMOGuj) September 15, 2022
તમને જણાવી દઇએ કે, સરદાર સરોવર ડેમ સીઝનમાં પ્રથમવાર અને ગેટ લગાડ્યા બાદ ત્રીજીવાર 138.68 મીટરની મહત્તમ સપાટીએ પહોંચ્યો છે.
સૂત્રો જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશના ડેમોમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા ડેમના સરદાર સરોવરમાં પાણીની આવક હાલ 2 લાખ 11 હજાર 66 ક્યુસેક નોંધાઇ છે. ત્યારે સવારે 10 દરવાજા 1.30 મીટર સુધી ખોલી 1,50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આમ ઉપરવાસમાંથી સતત પાણીની આવક આવતી રહી હોવાના કારણે ડેમની સપાટી ધીરે-ધીરે વધતી ગઈ. રાત્રીના નર્મદા ડેમની જળસપાટી 138.68 મીટરની મહત્તમ સપાટીને પાર કરી દીધી છે એટલે જે છલોછલ નર્મદા ડેમને જોવાની ગુજરાતની ઈચ્છા હતી તે પરિપૂર્ણ થઇ છે.