આગાહી@ગુજરાત: કાતિલ ઠંડી વચ્ચે રાહતના સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતા ઠંડી ઘટશે

 
Winter

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં ફરી એકવાર સતત કેટલાક દિવસથી ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. જોકે મંગળવારે ઠંડીમાં આંશિક રાહત મળી હતી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છમાં હજુ એક દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં પારો બેથી ચાર ડિગ્રી વધી શકે છે. મંગળવારે 11 શહેરોમાં 10 ડિગ્રીથી ઓછું તાપમાન રહ્યું હતુ. આ સાથે આગાહી કરવામાં આવી છે કે, લઘુત્તમ તાપમાન 2થી 4 ડિગ્રી વધી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતા ઠંડી ઘટશે.

રાજ્યમાં મંગળવારે વડોદરામાં 12.2, સુરતમાં 13.4 ડિગ્રી, ભુજમાં 11.4, રાજકોટમાં 12 ડિગ્રી તાપમાન જ્યારે અમદાવાદમાં 13.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. આ સાથે રાજ્યમાં નલિયા 5.6 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડી જગ્યા રહી હતી. મંગળવારે 11 શહેરમાં 10 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું હતુ. આવતીકાલથી ઠંડી ઘટતી જોવા મળી શકે છે. જોકે, કચ્છમાં હજુ આજનો દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં વારંવાર પવનની દિશા બદલાય રહી છે તેના કારણે તાપમાનમાં પણ વધઘટ થઈ રહ્યું છે. જોકે, જાન્યુઆરી મહિનામાંમાં કોલ્ડવેવની ફ્રિકવન્સી વધી રહી છે. પરંતુ ચાલુ વર્ષ નલિયાના તાપમાને રેકોર્ડ તોડી દીધો છે. કડકડતી ઠંડીનો અહેસાસ નલિયાના લોકો કરી રહ્યા છે. આજે એક દિવસ માટે કચ્છમાં કોલ્ડ વેવની અસર રહેશે.