અપડેટ@મોરબી: ઝૂલતો પુલ તૂટ્યા બાદ ઓરેવા કંપનીના MD જયસુખ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયા

અટલ સમાચાર, ડેસ્ક
મોરબીની દુર્ઘટનાને લઇને રાજ્ય આખું ધ્રુજી ઉઠ્યું છે. 141 જેટલી માનવ જિંદગીને મોતના ખપ્પરમાં હોમી દેવાના આ પાપમાં જવાબદાર કોણ તવો અણિયારો સવાલ લોકોમાં ઊભો થયો છે. હાલ લોકો મોરબી પાલિકા અને ઓરેવા ગ્રુપની કામગીરી સામે આંગળી ચીંધી રહ્યા છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રીએ પુલના સંચાલકો સામે તાત્કાલીક ધોરણે કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યા છે. મહત્વનું છે કે, પુલના સંચાલનનો કોન્ટ્રાક્ટ ઓરેવા કંપની પાસે હતો.

મોરબીની મચ્છુ નદી પર આવેલા ઝૂલતા પુલનું રિનોવેશન ઓરેવા કંપનીએ રૂપિયા 2 કરોડના ખર્ચે કર્યું હતું. ભારતમાં સીએફએલ અને એલઈડી બલ્બમાં 1 વર્ષની વોરંટી આપવાની શરુઆત ઓરેવાએ કરી હતી. પરંતુ તેઓ આ વોરંટી પોતે રિનોવેટ કરેલા મોરબીના ઝૂલતા પુલ પર ન આપી શક્યા. 26 ઓક્ટોબરથી મોરબીનો ઝૂલતો પુલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો તથા 12થી 15 વર્ષની મજબૂતાઈની ગેરંટી આપવામાં આવી હતી. જે 5 દિવસની અંદર તૂટ્યો અને 141 લોકો કાળનો કોળિયો બની જતાં હાહાકાર મચી ગયો છે. આ દુર્ઘટના બાદ કંપનીના એમડી જયસુખ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
મોરબી નગરપાલિકાએ હેન્ગિંગ બ્રિજના રિનોવેશનની કામગીરી છ મહિના પહેલાં જ ઓરેવા કંપનીને સોંપાઈ હતી. જેના રિનોવેશન બાદ ગત 26 ઓક્ટોબરે પુલને ખુલ્લો મૂકાયો હતો. આ પુલને ખુલ્લો મૂકતા પૂર્વે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું અને ઓરેવા કંપનીએ મજબૂત કેબલ અને સ્ટીલનો ઉપયોગ કરીને પુલનું રિનોવેશન કયું હોવાની સુફિયાણી વાતો કરી હતી અને ત્યારબાદ ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલની હાજરીમાં પુલને ખુલ્લો મૂકાયો હતો. આ વાત જગજાહેર હવા છતા પાલિકાના ચીફ ઓફિસરે પાયાવિહોણું નિવેદન આપ્યું છે.
