ગંભીર@વરાણા: ખોડીયાર માતાનાં મેળામાં ભાડું લેતી પંચાયત પાર્કિંગ, સ્વચ્છતા, સેફ્ટીમાં નિષ્ફળ, સ્પેશિયલ રિપોર્ટ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
સુપ્રસિદ્ધ ખોડીયાર માતા ધામે શરૂ થયેલો મેળો શ્રધ્ધાળુઓ અને યાત્રાળુઓને આવકારી રહ્યો છે પરંતુ પંચાયતની ભૂમિકા જોતાં ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. દુકાનો પાસેથી મસમોટો વેરો/ભાડું લેતી વરાણા ગ્રામ પંચાયત મેળામાં બેઝિક વ્યવસ્થાઓ કરવામાં નિષ્ફળ રહી છે. એક અઠવાડિયાથી શરૂ થયેલો મેળો મધ્ય સમયે પહોંચ્યો પરંતુ ગ્રામ પંચાયતે પ્રાથમિક વ્યવસ્થાઓ સામે બેદરકારી દાખવી છે. ઠેર ઠેર સામૂહિક શૌચાલય, ફાયર ફાઈટર, પાર્કિંગ સહિતની અનેક વ્યવસ્થા ગ્રામ પંચાયતના સત્તાધીશો કરી શક્યા નથી કે ઈરાદાપૂર્વક નથી કરી એ સૌથી મોટો સવાલ બન્યો છે. સમગ્ર મામલે તલાટીને પૂછતાં જે જવાબ મળ્યો તેમાં પણ જવાબદારીનું કોઈ તત્વ મળ્યું નથી. આ પછી જિલ્લા વિકાસ અધિકારી જણાવતાં ચોંકી ઉઠ્યા હતા.
પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગ્રામ પંચાયતની જન સમુદાય માટેની જવાબદારીનો ઘટસ્ફોટ થયો છે. ગત રવિવારથી શરૂ થયેલો મેળો આગામી પુનમ સુધી ચાલશે, એટલે કે સતત 15 દિવસના વિસ્તારના સૌથી મોટા મેળામાં શ્રદ્ધાળુઓને માટે ચિંતાનો વિષય સામે આવ્યો છે. રોજેરોજ અઢળક શ્રધ્ધાળુઓ ખોડીયાર માતાનાં ચરણોમાં શિશ ઝુકાવી માનતાં કરવા આવી રહ્યા છે. કેટલાક પરિવારો પગપાળા પણ આવી રહ્યા છે ત્યારે શ્રધ્ધાળુઓની પ્રાથમિક વ્યવસ્થાઓ બાબતે ગંભીર રિપોર્ટ ધ્યાને આવ્યો છે. ખૂબ મોટી સંખ્યામાં વરાણા આવતાં લોકો અને મેળાનાં સમગ્ર પરિસરમાં દુકાનો ચલાવતાં લોકો માટે સૌપ્રથમ ઠેર ઠેર સામૂહિક શૌચાલયની વ્યવસ્થા કરી નથી. દુકાનો પાસેથી ભાડાં પેટે કે વેરા પેટે મસમોટી રકમ લેતી વરાણા પંચાયતે એકપણે સ્થળે પાર્કિંગની પણ વ્યવસ્થા કરી નથી. આટલું જ નહિ, અનેક શ્રધ્ધાળુઓથી ભરચક રહેતી મેળાની આ વિશાળ જગ્યામાં 24 કલાક માટે સતત ઉપલબ્ધ હોય તેવી ફાયર ફાઈટરની વ્યવસ્થા કરવામાં પણ પંચાયત નિષ્ફળ રહી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, દુકાનો પાસેથી વેરો લેતાં હોય તો ફરજિયાત નિ:શુલ્ક જાહેર પાર્કિંગ કરવાની જવાબદારી વરાણા ગ્રામ પંચાયતની છે. આથી પણ ગંભીર પરિસ્થિતિ એ મળી કે, દુકાનદારો માટે અને શ્રધ્ધાળુઓ માટે હાઇવે માર્ગથી મંદિર પરિસર સુધીનાં રસ્તામાં અનેક જગ્યાએ શૌચાલયની જરૂરિયાત છતાં આ વ્યવસ્થા નહિ કરીને વરાણા ગ્રામ પંચાયતના સત્તાધીશોએ ગંભીર બેદરકારી દાખવી છે. રોજેરોજ દિવસમાં ઓછામાં ઓછાં 2 વખત કચરો ઉડાવવામાં પણ બેદરકારી મળી આવી છે. માવઠાને પગલે હાઇવેથી મંદિર પરિસર સુધી કિચડ થયો છતાં ગ્રામ પંચાયતે તાત્કાલિક અસરથી કિચડ દૂર કરવાની વ્યવસ્થા નહિ કરીને શ્રધ્ધાળુઓ પ્રત્યેની જવાબદારીમાં ગંભીર બેદરકારી રાખી છે.
તલાટી અને પાછાં મંડળનાં પ્રમુખ છતાં બેદરકારી કેમ ?
વરાણા મેળામાં ગ્રામ પંચાયતની ભૂમિકા બાબતે પૂછતાં તલાટી કમ મંત્રી સતિષ જાદવે જણાવ્યું હતું કે, સ્વચ્છતાની અને દુકાનોને જગ્યા આપવાની વાત કરી હતી. જ્યારે પાર્કિંગનું પૂછતાં ચોંકાવનારો જવાબ આપ્યો હતો. તલાટીએ જણાવ્યું હતું કે, ખાનગી લોકો પાર્કિંગની વ્યવસ્થા કરે છે. એ જાણવું જરૂરી બનશે કે, વરાણા તલાટી પાટણ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ પણ છે.
સમગ્ર મામલે પાટણ જિલ્લા વિકાસ અધિકારીને ધ્યાને મૂકતાં જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતની જવાબદારી બને છે એટલે હાલ જ ટીડીઓને જણાવી રહ્યો છું.