હડકંપ@મહેસાણા: એગ્રો ઈન્ડસ્ટ્રીઝના બિઝનેસમેન વિરુદ્ધ પરિણિતાની ફરિયાદ, સંબંધ માટે દબાણ કરતો, પીછો કરતો

 
Mehsana Crime

અટલ સમાચાર, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણા શહેરમાં અવારનવાર બનતી સંબંધોની આંટીઘૂંટીની ઘટનાઓ વચ્ચે ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પરિવાર માટે નોકરી કરવા ગયેલી યુવતિને ફેક્ટરીના સંચાલક આધેડ સાથે પરિચય બાદ મિત્રતા બની હતી. આ પછી પ્રેમ સંબંધના નામે થોડો સમય મનમેળ રહ્યા બાદ યુવતિએ સાંસારિક જીવનમાં જવા પરિવાર મારફતે એક યુવક સાથે સગાઇ કરી લીધી હતી. યુવતિએ સગાઇ કરી લેતાં બોખલાઇ ગયેલા એગ્રો ઈન્ડસ્ટ્રીઝના બિઝનેસમેને યુવતિને કબજામાં રાખવાં હવાતિયાં શરૂ કર્યા હતા. યુવતિને શોધી તેનો પીછો કરી કેમ હવે પ્રેમ સંબંધ નથી રાખતી કહીને પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. આખરે તમામ પરિસ્થિતિ વચ્ચે સગાઇ બાદ પરિણિતાએ દેદિયાસણ જીઆઇડીસીમાં આવેલી એગ્રો ઈન્ડસ્ટ્રીઝના વેપારી વિરુદ્ધ મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે ધોરણસરની ફરિયાદ નોંધાવી છે.

મહેસાણાના દેદિયાસણ નજીક રહેતી યુવતી તેના પરિવારને આર્થિક મદદ માટે દેદિયાસણ જીઆઇડીસીમાં આવેલી સનરાઇઝ એગ્રો ઈન્ડસ્ટ્રીઝમાં નોકરી કરતી હતી. આ દરમ્યાન સનરાઇઝ એગ્રો ઈન્ડસ્ટ્રીઝના માલિક સમાન બિપીન પટેલ સાથે પરિચયમાં આવી હતી. આ બિપીન પટેલે દૈનિક મુલાકાત બાદ યુવતિ સાથે સહમતીથી પ્રેમ સંબંધ કેળવી લીધો હતો. જોકે થોડા સમય બાદ યુવતિને ઓસ્ટ્રેલિયા રહેતા એક યુવક સાથે સગાઇની વાત ફાઇનલ થઇ હતી. આ સગાઇનું જાણી લાલચોળ બની ગયેલા સનરાઇઝ એગ્રો ઈન્ડસ્ટ્રીઝના બિપીન પટેલે પ્રેમ સંબંધ ટકાવી રાખવા યુવતિ ઉપર દબાણ શરૂ કર્યું હતું. જોકે યુવતિ (ઉંમર .30) તાબે નહિ થતાં બિપીન પટેલે (ઉંમર .45) કાયદાથી ઉપર જઈ દબાણપૂર્વક સંબંધ રાખવા યુવતિની સોસાયટી સુધી પહોંચી જતો હતો. આખરે કંટાળીને પોતાના પતિને ઓસ્ટ્રેલિયાથી બોલાવી લગ્ન/સગાઇ પ્રસંગ સંપન્ન કરી પરિણિતાએ ફરિયાદ નોંધાવી છે.

પરિણિતાએ મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત 14 નવેમ્બર દરમ્યાન રાત્રિના સુમારે મોઢેરા રોડ પરના સોમેશ્વર મોલથી સરદાર સોડા શોપ સુધી પીછો કરી પરિણિતાને રોકી પ્રેમ સંબંધ બાંધવા બાંધવા ધમકીઓ આપી હતી. આટલું જ નહીં પરિણિતાના ફોટા વિડીયો વાયરલ કરવાની ધમકી આપી પરિણિતાના પતિ સાથે પણ ઝઘડો કર્યો હતો. આથી મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસે સનરાઇઝ એગ્રો ઈન્ડસ્ટ્રીઝના બિપીન પટેલ વિરુદ્ધ આઇપીસી 323, 354,354એ,354ડી,504,507 સહિતની કલમો મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

પરિવારને સુરક્ષાની જરૂર હોવાનું કહ્યું પરિણિતાએ

સમગ્ર ઘટનાક્રમ મામલે પરિણિતાએ જણાવ્યું હતું કે, સગાઇ પ્રસંગ પૂર્ણ થતાં હવે થોડાં જ સમયમાં પતિ સાથે ઓસ્ટ્રેલિયા જવાનું થશે. આથી મહેસાણા દેદિયાસણ જીઆઇડીસી નજીક રહેતા તેના પરિવારને એગ્રો ઈન્ડસ્ટ્રીઝના બિપીન પટેલ નુકસાન પહોંચાડી શકે તેવી શક્યતા છે. આ સાથે પૂર્વ લગ્ન બાદના 7 વર્ષના પુત્રને ખાનગી સ્કુલમાં ભણવા જવા આવવા દરમ્યાન પણ જોખમ હોવાનું પરિણિતાએ જણાવ્યું હતું.