મુશ્કેલી@મહેસાણા: વડાપ્રધાનના કાર્યક્રમમાં એસટી બસો મોકલી દેતાં મુસાફરો રઝળ્યાં, જાણો આજે શું છે સ્થિતિ ?

 
Mehsana ST Depo

અટલ સમાચાર, ડેસ્ક 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્યારે ગઇકાલે જુનાગઢ, અમદાવાદ અને સુરતમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં મહેસાણા ડિવિઝનની 50 ટકાથી વધુ બસો ફાળવી દેવાઇ હતી. આ તરફ ખાસ કરીને ગામડાના રૂટો પર કાપ મૂકાતાં મુસાફરો રઝળી પડ્યા હતા. મહેસાણા, પાટણ, કલોલ સહિતના 12 ડેપોમાં બુધવારે બસની રાહ જોઇને થાકેલા મુસાફરોએ ખાનગી વાહનોમાં મસમોટું ભાડું ખર્ચીને મુસાફરી કરવાની ફરજ પડી હતી.  

મહેસાણા, બહુચરાજી, ચાણસ્મા, કડી, હારિજ, કલોલ, ખેરાલુ, પાટણ, ઊંઝા, વડનગર, વિજાપુર અને વિસનગર ડેપોમાં બુધવારે સવારથી મુસાફરોને શહેરી અને ગ્રામીણ રૂટમાં બસ સમયસર નહીં મળતાં મુશ્કેલી સર્જાઇ હતી. આખો દિવસ બસના ફાંફા રહેતાં કંટ્રોલરૂમમાં બસ આવશે તો જશે તેવા જવાબ મળતા હતા. કેટલાક ડેપોમાં તો માત્ર 10 થી 15 બસોથી સંચાલન કરવું પડ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે, મહેસાણા ડિવિઝનના 12 ડેપોની કુલ 760 બસો પૈકી 400થી વધુ બસો કાર્યક્રમોમાં ફાળવી દેવાઇ હતી. મહેસાણા ડેપોની 98 પૈકી 49 બસો જુનાગઢ અને સુરતના કાર્યક્રમમાં મોકલાઇ હોઇ હજુ ગુરુવારે પણ મુસાફરોએ આ મુશ્કેલીનો સામનો કરવો પડશે. મહેસાણા ડેપોમાં સાંજ સુધીમાં 665 ટ્રીપોમાંથી 335 જેટલી ટ્રીપોનું જ સંચાલન થઇ શક્યું હતું.