રજૂઆત@સરકાર: પાટણ પાલિકા જાગી, પાણીની પારાયણ દૂર કરવા વડી કચેરીને લખ્યો પત્ર, "ઉનાળો નજીક છે હવે"

 
Patan palika

અટલ સમાચાર,પાટણ 

પાટણ વધતાં વિસ્તારને લઈ હવે નગરપાલિકા દ્વારા વધારાનું પાણી ફાળવવા નમૅદા જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના મંત્રીને પત્ર લખી રજૂઆત કરાઇ છે. વિગતો મુજબ પાલિકા દ્વારા પાટણ શહેરની પાણી પુરવઠા યોજના માટે નમૅદા કેનાલ ખોરસમ પાઈપ લાઈન ( સિધ્ધિ સરોવર) આધારીત યોજના માથી વધારાનું પાણી ફાળવવા રજૂઆત કરાઇ છે.  

પાટણ નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ દ્વારા લખાયેલા પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે, પાટણ શહેરનો સમાવેશ અમૃત–2.0 યોજનામાં કરવામાં આવેલ છે. આ માટે મધ્યસ્થ સરકાર માંથી નાણાં ફાળવવામાં આવ્યા છે અને યોજનાના નકશા અને અંદાજો તૈયાર કરી જીયુડીએમમાં રજુ કરવામાં આવેલ છે. આ સાથે લખ્યું છે કે, પાટણ શહેરનો સમાવેશ નર્મદા માસ્ટર પ્લાન માટેના 131 શહેરોમાં કરવામાં આવેલ છે અને અત્યારે નર્મદા મેઈન કેનાલ માંથી પાણી ખોરસમ ખાતે ટેપ કરી સિંચાઈ વિભાગની પાઈપ લાઈન ધ્વારા પાટણ ખાતે સિધ્ધિ સરોવરમાં ઠાલવવામાં આવે છે. જેનો ઉપયોગ પાટણ તાલુકાના ગામડાઓ અને શહેર માટે કરવામાં આવે છે.

 Patan palika

પત્રમાં ઉમેર્યું છે કે, હાલમાં 95 એમએલડી પાણીની ફાળવણી સામે 72.52 એમએલડી પાણીનો ઉપયોગ પાણી પુરવઠા બોર્ડ કરે છે અને આ પાણી પાટણ શહેર અને ગામડાઓને આપવામાં આવે છે. હજુ 22.48 એમએલડી પાણીની બચત છે. જે પાટણ શહેરને ફાળવવું જરૂરી છે. પાટણ જિલ્લો બનતાં પાટણનો વિકાસ ઘણો થયો છે. નજીકના ગામડાઓનો સમાવેશ પણ પાટણ નગર પાલીકામાં કરવામાં આવ્યો છે.

પાલિકા દ્વારા લખાયેલ પત્રમાં રજૂઆત કરાઇ છે કે, શહેરની વસ્તીમાં પણ વધારો થયો છે ત્યારે પાણીની જરૂરીયાત ભવિષ્યની 4,48,000 જેટલી વસ્તી માટે 66.18 એમએલડી પાણી જરૂરી છે. સરકારે હવે ભુગર્ભ પાણી પર આધાર ન રાખતાં સરફેસ વોટર વાપરવાની સુચના આપી છે અને સરકાર પાણી પુરવઠા યોજનાઓ માટે સરફેસ વોટર ફાળવે છે. જેથી બચત પાણી ફાળવવામાં આવશે તો પણ પાણી પાટણ માટે પરત થશે નહી. લગભગ 30% જેટલું પાણી પાતાળ કુવાથી મેળવવું પડશે. આ માટે નગરપાલિકાએ આયોજન કરેલ છે અને પુરતાં પાતાળ કુવા કરેલ છે. જે ધ્યાનમાં લેતાં સિંચાઈ વિભાગમાંથી પાટણ શહેર માટે પાણી અનામત રાખવા માટે મંજુરી આપવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હોવાનું પાલીકા પ્રમુખ સ્મિતાબેન પટેલે અને કારોબારી ચેરમેન અરવિંદ ભાઈ પટેલે જણાવ્યું હતું.