રિપોર્ટ@અમરેલી: શહીદ મનિષ મહેતાને હજારો લોકોએ આપી શ્રદ્ધાંજલિ, રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય

 
Amreli

અટલ સમાચાર, ડેસ્ક

અમરેલીના વીરગતિ પામેલા જવાન મનિષ મહેતાનો પાર્થિવ દેહ તેમના ગામ લાવવામાં આવ્યો ત્યારે હજારોની સંખ્યામાં ઉપસ્થિત લોકોએ તેમને શ્રદ્ધાજલિ પાઠવી છે. રાજકીય સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ દરમિયાન શહીદ વીર જવાન મનિષ મહેતાને રાજકીય નેતાઓએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી છે. આસામ બોર્ડર પર ફરજ બજાવતા મનિષ મહેતા સાથી જવાનો સાથે રાજસ્થાન જઈ રહ્યા હતા ત્યારે તેમને એક અકસ્માત નડ્યો હતો. તેમની સાથે કુલ 5 જવાનોના આ અકસ્માતમાં જીવ ગયા છે.

Amreli

અમરેલીના અમરાપુર ગામના વતની મનિષ મહેતા હાલ અમરેલીના હનુમાન રોડ પર રહેતા હતા. શહીદ જવાન મનિષ ભારતીય સેનામાં ફરજ બજાવતા હતા. તેઓ પાછલા મહિને 16 ડિસેમ્બરે પોતાની રજાઓ પતાવીને આસામ પરત ગયા હતા. જ્યારે જવાનો યુદ્ધાભ્યાસ માટે જલપાઈ ગુડીથી રેલ માર્ગે રાજસ્થાન આવી રહ્યા હતા ત્યારે સર્જાયેલા અકસ્માતમાં મનિષ મહેતાએ જીવ ગુમાવ્યો હતો. તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે હજારો લોકો ઉમટી પડ્યા હતા.

Amreli

આસામ બોર્ડરથી 4000 જેટલા જવાનો સાથે શહીદ વીર મનિષ મહેતા રાજસ્થાનના પોખરણ યુદ્ધાભ્યાસ માટે આવી રહ્યા હતા ત્યારે રેલવેમાં તેમના સાધનો પણ લાવવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન મનિષ મહેતા તેમના સાથી જવાનો સાથે ટેંકમાંથી પાણી લાવવા માટે ગયા હતા, આ દરમિયાન રેલવેનો હાઈ વોલ્ટેજ વાયર ટેંકના સંપર્કમાં હોવાથી અકસ્માતે મનિષ મહેતા સહિત પાંચ જવાનોના જીવ ગયા હતા.

અમરેલીના શહીદ મનિષ મહેતા 16 વર્ષથી દેશ સેવા કરી રહ્યા છે, તેમણે સેનામાં પોતાની દેશ સેવાની કામગીરી દરમિયાન વિવિધ બોર્ડર પર ફરજ બજાવી છે. શહીદ જવાન બાળપણથી જ દેશ સેવાનું સપનું જોતા હતા. તેમના પરિવારમાં ત્રણ ભાઈઓ અને એક બહેન છે. દેશદાઝ ધરાવતા મનિષ મહેતા શહીદ થતા લોકોની આંખો ભરાઈ આવી હતી. આ દરમિયાન વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા સાથે તેમને વિદાય આપી હતી.