સ્પેશિયલ@પ્રમુખસ્વામી: બાપાનું જીવન સેવા અને પ્રેરણાથી ભરપૂર, શતાબ્દી મહોત્સવે અનેક પ્રસંગો
અટલ સમાચાર, ડેસ્ક
અમદાવાદમાં હાલ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. આ મહોત્સવ નિમિત્તે 600 એકરમાંથી 200 એકરમાં નિર્માણ પામેલાં પ્રમુખસ્વામી નગરમાં પ્રેરણા આપતી નગરી બની છે. આ નગરમાં જાતજાતની અને ભાતભાતની માહિતીથી માંડીને જાણકારી તેમ જ જીંદગીના પાઠ શીખવતા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. ચોતરફ આકાર પામેલાં પ્રદર્શનો, શો તેમ જ ગ્લો ગાર્ડન અને બાળનગરી ઊભાં કરવામાં આવ્યા છે. આ બધાંની વચ્ચે નગરના પ્રારંભમાં જ દિલ્હી સ્થિત અક્ષરધામની પ્રતિકુતિ ઊભી કરવામાં આવી છે. તેની નજીક જ પ્રમુખસ્વામી મહારાજની 15 ફૂટ ઊંચા સ્ટ્રકચર પર 30 ફૂટ ઊંચી મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે.
મહત્વનું છે કે, આ મૂર્તિમાંથી પ્રમુખસ્વામી મહારાજના સ્વરમાં જ શ્લોક વાગે છે. એટલું જ નહીં પરંતુ આ મૂર્તિની આસપાસ પ્રમુખસ્વામી મહારાજની જ 24 મૂર્તિઓ સ્થાપિત કરાઇ છે. જેમાં સમયની સાથોસાથ બદલાતાં જતાં વાતાવરણને અનુરૂપ શેડ આપવામાં આવ્યા છે. દરેક પ્રસંગમાં એક મેસેજ છે, સરવાળે જોઈએ તો દરેક પ્રસંગમાંથી એક જ બાબત જોવા મળે છે કે પ્રમુખસ્વામી મહારાજે પોતાનું જીવન સમાજ માટે ન્યોછાવર કરી દીધું હતું. અને તેઓ 'બીજાના ભલામાં આપણું ભલું' સૂત્ર ખરા અર્થમાં સાકાર થાય છે.
પ્રમુખસ્વામી મહારાજનું જીવન લોકસેવામાં સમર્પિત
આ ઉપરાંત પ્રમુખસ્વામી મહારાજનું આખુંય જીવન લોકસેવામાં જ વ્યતિત થઇ ગયું હતું તે સૌ કોઇ જાણે છે. આવા અગણિત પ્રસંગો હતા. તો કેટલાકે તો ખુદે પણ અનુભવ્યાં હશે. ત્યારે આ અગણિત પ્રસંગોમાંથી ભારે જહેમત બાદ મોટા સંતોએ 24 પ્રસંગો પસંદ કર્યા હતા. આ પ્રસંગો મૂર્તિની આસપાસ ઊભી કરવામાં આવેલી દિવાલોમાં તારીખ અને સમય સાથે પ્રસ્તુત કરવામાં આવ્યા છે. એટલું જ નહીં પરંતુ તે સમયનો ફોટો પણ મૂકવામાં આવ્યો છે. આ પ્રસંગોનું ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં વર્ણન કરવામાં આવ્યું છે. સમયની મર્યાદાના કારણે આ પ્રસંગો દરેક મુલાકાતીઓ માટે વાંચવા મુશ્કેલ બને પણ ખરી, તેથી જ પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં બનેલાં અગણિત પ્રસંગોમાંથી પસંદ કરાયેલાં 24 પ્રસંગો તારીખ, સ્થળ અને સમય સાથે અહીં રજૂ કર્યાં છે.
પ્રમુખસ્વામી મહારાજના યાદગાર જીવન પ્રસંગો
29 જાન્યુઆરી 2001, અટલાદરા સવારે 6 વાગ્યે- સેવાનો શ્વાસ
સવારે 6-42 વાગ્યે વ્યાયામના ભાગરૂપે ભ્રમણ કરી રહેલાં સ્વામી પર ભૂંકપગ્રસ્ત ભુજથી ફોન આવ્યો. તેમાં સતત ત્રીસ મીનીટ સુધી સ્વયંસેવકોને માર્ગદર્શન આપતાં સ્વામી ચાલવાને કારણે ચડેલાં થાકથી હાંફતા પણ રહ્યાં. સૌ સહેલાઇથી શ્વાસ લઇ શકે તે માટે તેઓ ઘણીવાર સ્વંય શ્વાસ લેવાનું ચુકી જતા.
23 નવેમ્બર 1984, મહીજડા સવારે 7 વાગ્યે- માનવી મુખ્ય
એક વાર પ્રાતઃ ભ્રમણ કરી રહેલાં સ્વામીએ ભક્તોની વિનંતી સાંભળી પોતાનો દૈનિક ક્રમ ફેરવીને એક કલાકમાં 40 ઘેર પધરામણી કરી સૌને રાજી કર્યા. તે પછી જ તેઓએ પ્રાતઃ પૂજા અને ઔષધપાનનો નિયત ક્રમ પૂર્ણ કર્યો. તેઓ હંમેશા માનવીને મુખ્ય રાખતા.
28 માર્ચ 1990, સારંગપુર સવારે 8 વાગ્યે- અલ્પ અને અતિ
જયારે સ્વામી સવારે 8:30 વાગ્યે મંદિરમાં દર્શને પધાર્યા ત્યારે બે વડીલો તેઓની પ્રતીક્ષામાં ઊભેલાં. તેઓને મળવા પોતાની શારીરિક તકલીફ અને વૃદ્ધ વયને વિસારી સ્વામીએ ઉભડક પગે બેસી તે ભક્તોની વાત શાંતિથી સાંભળી. તેઓ પોતાનું ધ્યાન ઓછું રાખતાં, અન્યનું વધારે.
7 મે 1993, બોચાસણ સવારે 9 વાગ્યે- સેંકડોને સહાય, દરરોજ
પિતાનું અવસાન થતાં એ કિશોરનું ભવિષ્ય અંધકારમય બની ગયેલું. તેને સ્વામીએ ન કેવળ સાંત્વન આપી. પરંતુ તેના અભ્યાસ તેમ જ પરિવારના ભરણ-પોષણની વ્યવસ્થા પણ ગોઠવી દીધી. તરત જ અને વર્ષો સુધી આ રીતે સ્વામીએ સેંકડોને સાંભળતા અને સહાય, દરરોજ આપતા.
15 નવેમ્બર 1997, સારંગપુર સવારે 10 વાગ્યે- આત્મીયતાની આંખ
બીમારીના કારણે સ્વામીની જમણી આંખે પેડ અને શિલ્ડ બાંધેલા. છતાં તેઓએ એક કાને પરાણે ટકી રહેતાં ચશ્માં પહેરીને કેવળ એક આંખે બે કલાક સુધી પત્રો વાંચ્યા- લખ્યાં. તેઓએ પોતાના જીવનકાળ દરમ્યાન 7,50,000થી વધુ પત્રો વાંચી- લખી સૌના દુઃખ વિદારેલાં અને મનોરથો પૂર્ણ કરેલાં.
12 જૂન 1990, મુંબઇ સવારે 11 વાગ્યે- કાળજાંની કાળજી
એક વાર મોટરમાં બિરાજેલાં સ્વામીએ શરૂ કરેલું એક લાંબા પત્રનું વાંચન દાંતના દવાખાને તેઓનો એક્સ-રે લેવામાં આવ્યો ત્યાં સુધી ચાલતું રહ્યું. તેઓ પોતાની પાસે પહોંચતા પ્રત્યેક કાગળની કાળજાની જેમ કાળજી લેતાં- પૂરેપૂરા પ્રેમ અને ભક્તિભાવ સાથે.
12 એપ્રિલ 1990, ઓદરકા બપોરે 12 વાગ્યે- શાંતિની સ્થાપના
44 ગામો વચ્ચે 200 વર્ષથી વકરેલાં વેર-ઝેરને મિટાવવામાં જયારે રાજાઓ અને રાજય સરકારો નિષ્ફળ નીવડી ત્યારે સ્વામીના શ્રધ્ધા અને સાંનિધ્યથી શાંતિ સ્થપાઇ. તેઓની સ્નેહપૂર્વકની સમજાવટથી સૌએ વર્ષો જૂની દુશ્મનાવટને દફનાવીને એકમેકના કૂવાજળનું પાન કર્યું.
27 નવેમ્બર 1990, પાટી બપોરે 1 વાગ્યે- વિખવાદની વિદાય
તે બપોરે સ્વામીએ ભોજન બાદ વિશ્રામ ન લીધો. તેઓ બે વ્યક્તિ પરસ્પરના વિખવાદ વિસરી, એકમેકને માફ કરી હાથ મીલાવે તે માટે પ્રયત્નશીલ બન્યાં. તેથી ખટરાગને કારણે વિખૂટા પડેલાં બે ભાઇઓ વચ્ચે એકરાગ સ્થપાઇ ગયો.
6 ડિસેમ્બર 1973, વાસદ બપોરે 2 વાગ્યે- સ્મિતનું દાન
તે દિવસે એકાદશી હોવાથી સ્વામીએ મુખમાં પાણીનું ટીપું પણ મૂકયું નહોતું. વળી, સવારથી જ તેઓના શરીરમાં 102 ડિગ્રી તાવ હતો. છતાં તેની જાણ કર્યા વિના તેઓએ ભર-તાપમાં એક પછી એક 122 પધરામણી કરી સૌને સ્મિત, સંતોષ અને સુખ આપ્યાં.
25 સપ્ટેમ્બર 1974, હાર્ટફર્ડશાયર, યુ.કે. બપોરે 3 વાગ્યે- આજીવન
બપોરે 3-45 વાગ્યે એક હરિભક્તના ઘરે પધરામણીએ પહોંચેલા સ્વામીને ખ્યાલ આવ્યો કે આ ભક્તના વૃદ્ધ અંગ્રેજ પાડોશી મિ. સ્ટ્રિન્જરને દીકરાને તરછોડી દીધાં છે. આ જાણી સ્વામીએ ભલામણ કરતાં તે ભક્તે પેલાં અંગ્રેજની આજીવન સંભાળ રાખી. સ્વામીની કરૂણા જીવનપર્યત રહેતી.
5 ફ્રેબ્રુઆરી 1983, સુંદલપુરાથી વડોદરા બપોરે 4 વાગ્યે- વચનપાલક
હૃદયરોગના હુમલા બાદ બપોરે 4-15 વાગ્યે હોસ્પિટલ તરફ જઇ રહેલાં સ્વામીએ મોટર થંભાવી- અગાઉથી ગોઠવાયેલા એક હરિભક્તના પારાયણનો પ્રસંગ સાચવી લેવાની સૂચના સંતોને આપવા માટે. તેઓને મન આપેલાં વચનનું પાલન ગંભીર માંદગીથી પણ વધુ મહત્વનું હતું.
18 જાન્યુઆરી 1990, ચંદ્રપુર સાંજે 5 વાગ્યે- મુક્તિદાતા
યોગાસનના નિત્યક્રમથી પધારેલાં સ્વામી વ્યસનમાં સપડાયેલા એક યુવાનને ધીરજપૂર્વક સાંભળતા ગયા અને સમજાવતાં રહ્યા. અંતે તેને વ્યસનમુક્ત કરીને જ રહ્યાં. આ રીતે તેઓએ 40,00,000 થી વધુ લોકોને વ્યસનમુક્ત કરેલાં.
12 ફ્રેબ્રુઆરી 1991, સારંગપુર સાંજે 6 વાગ્યે- સદા અંગત
સાજે 6-30 વાગ્યે દર્શને જઇ રહેલાં સ્વામી માંડ માંડ જોઇ શકતા હીરા ભરવાડને જોતાં જ રાજી થઇ ગયા. આ ગોપાલકની આંખે થયેલી શસ્ત્રક્રિયા બાબતે સવારથી જ પૂછપરછ કરતાં રહેલાં તેઓએ અત્યારે સ્વંય હીરાની આંખ તપાસી તેઓની સંભાળ સદા અંગત રહેતી, સાધારણ નહીં.
13 જાન્યુઆરી 1983, નાદરી સાંજે 7 વાગ્યે- સાચો મુકામ
તે સંધ્યાએ જયારે સ્વામી નાદરી ગામે પહોંચ્યા. ત્યારે અહીં ધૂળિયા રસ્તા તૂટલા- ફૂટલા અને ઉબડ-ખાબડ હતા. છતાં તેઓએ ટોર્ચના ઝાંખા અજવાળે રાત સુધીમાં 100 ઘરોમાં પધરામણી કરી સૌની ભાવના પૂર્ણ કરી તેઓનો સાચો મુકામ તો ગામ કે ઘરમાં નહીં, પણ ભક્તોના હૃદયમાં જ રહેતો.
31 ડિસેમ્બર 1989, કોઇમ્બતુર રાત્રે 8 વાગ્યે- પ્રેમભાવ- ત્વરિત પ્રતિભાવ
નીલગિરી એક્સપ્રેસ ટ્રેન ઉપડવાની તૈયારીમાં જ હતો. પરંતુ સ્વામી અચાનક પ્લેટફોર્મ પર બેસી, થોડા કલાક પૂર્વે અક્ષરવાસ પામેલાં એક વડીલ હરિભક્તને અંજલિ આપતો પત્ર લખવા માંડયા. તેઓ કદી પ્રેમનો ઉભરો શમાવી ન શકતા. તે તો તરત જ વહી છૂટતો.
6 જૂન 1985, અમદાવાદ રાત્રે 9 વાગ્યે- મનમેળ
અનામત આંદોલનના કારણે ગુજરાતમાં ફાટી નીકળેલાં તોફાનોને શમાવવા સ્વામી દિવસોથી પ્રયત્નશીલ હતા. આખરે તેઓ એક રાત્રે 9-30 વાગ્યાથી મોડી રાત સુધી વાલીઓ, વિદ્યાર્થીઓ અને નેતાઓ વચ્ચે મનમેળ કરાવી શાંતિ સ્થાપવા બિરાજયા. તે વખતે કોઇએ વિશ્રામ અંગે પૂછયું ત્યારે તેઓ બોલ્યાં. લોકો દુઃખી થાય છે ત્યારે આરામ કેવો?
3 ફ્રેબ્રુઆરી 1994, સેલવાસ રાત્રે 10 વાગ્યે- સુખનું ક્ષેત્ર
સ્વામી પોઢવા માટે પલંગ પર પડખાઢાળ થતાં જ બત્તી બુઝાઇ. તે વખતે તેઓને માઇલોની મુસાફરી પગપાળા કરીને આવેલાં એક આદિવાસી યુવાનની જાણ થઇ. તે સાંભળી સ્વામી તરત જ બેઠા થઇ ગયા અને તે આદિવાસીને મળ્યાં. તેઓ બીજાના સુખમાં પોતાનું સુખ સમજતા.
29 નવેમ્બર 1995, મુંબઇ રાત્રે 11 વાગ્યે- સદા જાગ્રત
જે દિવસે હજારો હરિભક્તોએ સ્વામીની 75મી જન્મજયંતિ ઉજવી તે રાત્રે સ્વામી એક અજાણ્યા બાળકે આજની ભરચક ભીડમાં પોતાને આપેલી ચિઠ્ઠી ન વંચાઇ. ત્યાં સુધી ન પોઢયા. તેઓનું હૃદય રાત્રે 11-45 વાગ્યે પણ લાગણીની લિપિ ઉકેલવા જાગ્રત રહેતું.
25 સપ્ટેમ્બર 2002, સારંગપુર રાત્રે 12 વાગ્યે- મધરાતની અપીલ
અક્ષરધામ પર થયેલાં આંતકી હુમલા બાદ સ્વામીએ જાહેર અપીલ કરી કે સંપ અને એકતા રાખી શાંતિમય વાતાવરણ જાળવી રાખીએ. રાત્રે 12-45 વાગ્યે જારી થયેલા તેઓના આ નિવેદનથી અશાંતિના આરે ધસી ગયેલા સમગ્ર દેશમાં શાંતિ અકબંધ રહી.
28 સપ્ટેમ્બર 1974, લંડન રાત્રે 1 વાગ્યે- સેવાની સેજ
તે દિવસે એકાદશીના નિર્જળ ઉપવાસમાં પણ સ્વામી રાત્રે 1-20 વાગ્યા સુધી સેવારત રહેલાં. તે પછી તેઓએ રાત્રે 2-00 વાગ્યા સુધી ગુજરાતમાં ચાલતા દુષ્કાળ રાહત કાર્ય અંગે લંડનથી ફોન જોડી માર્ગદર્શન આપ્યું. તેઓ સદા નિઃસ્વાર્થ સેવાની સેજ પર જ વિશ્રામ કરતાં રહેલાં.
17 માર્ચ 1974, નડિયાદ રાત્રે 2 વાગ્યે- અવિરત સેવારત
બપોરે 3-30 વાગ્યે રાજકોટથી નીકળેલાં સ્વામી અનેક ગામોમાં પધરામણી અને સત્સંગસભાઓ કરતાં - કરતાં રાત્રે 2-15 વાગ્યે નડિયાદ પહોંચ્યા. અહીં પણ ભક્તવુંદ તેઓને સાંભળવા તત્પર થઇને બેઠેલું. તેઓને સંબોધી સ્વામી પોંઢયા. ત્યારે 3 વાગ્યા અવિરત સેવારત રહીને તેઓએ દિવસો નહીં, દસકાઓ વિતાવેલાં.
3 જાન્યુઆરી 1973, કુર્દુવાડી રાત્રે 3 વાગ્યે- પ્રેમના પંથે
મધરાતે મહારાષ્ટ્રના એક હરિભક્તે પોતાની દુકાને પધારવા સ્વામીશ્રીને વિનંતી કરી તે સ્વીકારી તેઓ 3-30 વાગ્યે દુકાનના દરવાજે પહોંચ્યા ત્યારે આખું ગામ ઘસઘસાટ સૂતું હતું. આ રીતે પ્રેમના પંથે ચાલનારા સ્વામીએ તેઓના જીવનકાળ દરમિયાન 2,50,000થી વધુ ઘરોને પાવન કરેલાં.
30 ઓક્ટોબર 1990, લંડન રાત્રિના 4 વાગ્યે- નીરવ પ્રાર્થના
લંડનમાં રાત્રે 4 વાગ્યે સેવકે જોયું તો સ્વામી પ્રાર્થના કરવામાં મગ્ન હતા. લોકોનાં દુઃખ- દર્દ દૂર થાય તે માટે તેઓ આ રીતે ઘણીવાર રાત્રે જાગી જાગીને પ્રાર્થના કરતા. તેઓના રાત્રિ-દિવસ પ્રાર્થનામય જ રહેતાં.
23 ઓગસ્ટ 1979, ઠીકરિયા સવારે 5 વાગ્યે- પ્રાણપ્રયાણ પછી પણ
તે સમગ્ર દિવસ સ્વામીએ પુરની હોનારતથી અસરગ્રસ્ત મોરબીની મુલાકાત માટે ગાળ્યો હોવાથી તેઓ શ્રમિત હતા. છતાં તેઓ આખી રાતનો ઉજાગરો વેઠી 340 કિ.મી.નું અંતર કાપતાં મોરબીથી અમદાવાદ થઇને સવારે 5-00 વાગ્યે ઠીકરિયા જઇ પહોંચ્યાં. હરિભક્ત મણિભાઇનો અંતિમવિધિ કરવા સ્વામીનો પ્રેમ વ્યક્તિના પ્રાણ પ્રયાણ કરી જાય તે પછી પણ જીંવત રહેતો.